મારા છોકરાનો બર્થ ડે છે,મને કીધું હતું પપ્પા તમે આવજો

‘મારા છોકરાનો બર્થ ડે છે એણે મને કીધું હતું કે પપ્પા તમે આવજો’. આ શબ્દો છે બે બાળકો ગૂમાવેલા પિતા સાજીદ સોરાના. આજે 16 ઑગસ્ટે રાજકોટમાં તળાવમાં ડૂબી જતા રોણકી ગામના બે સગા ભાઈ સહિત ત્રણ બાળક અને એક યુવકનું મોત નિપજ્યું છે. બે સગાભાઈમાંથી 10 વર્ષના સોહાન નામના બાળકનો જન્મદિવસ આજે હતો’ને તેણે આજે જ અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનાથી સિવિલ અને ઝનાના હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારના આક્રંદથી ગમગીની થઈ ગઈ હતી.

સોહાનનો જન્મદિવસ હોવાથી દર્શન કરવા ગયા હતા રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડીવાળા પીરની દરગાહ નજીક આ કરૂણાંતિકા સર્જાઈ હતી. રોણકી ગામના સાજીદ સોરાના પુત્ર સોહાનનો જન્મદિવસ હતો. જેથી બાળકો સહિત સંબંધીઓ દરગાહે દર્શન કરવા અને જમવા નીકળ્યા હતા. ત્યારે બપોરના સમયે 6 વર્ષનો સેફુ સોરા તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો. જે અચાનક તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો.

બાળકને તળાવમાં ડૂબતા જોઈને 20 વર્ષીય સાહિલ સોરા પણ તેને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો. આ દરમિયાન સાત વર્ષની બાળકી અલીફા અને જેનો આજે જન્મદિવસ હતો એ અને ડૂબતા સેફુનો ભાઈ 11 વર્ષનો સોહાન પણ તળાવમાં કૂદી પડ્યો હતો. આ સમયે ચારેય ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા.

3 બાળક અને યુવકનું ડૂબી જવાથી મોત ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી હોસ્પિટલ ખેસડ્યા હતા. જેમાં સાહિલને રાજકોટની સિવિલ હોસ્પિટલ અને અન્ય ત્રણને ઝનાના હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ચારેયને ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતા. જ્યાં હોસ્પિટલ પરિસરમાં મૃતકનો પરિવારજનો અને સંબંધીઓ પહોંચ્યા હતા. બે દીકરાના મોતથી કપાળે માથું પછાડી પિતાના આક્રંદથી પરિસરમાં તમામની આંખમાં દર્દ છલકાયું હતું. અન્ય મૃતકના પરિવારજો પણ રડી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *