જેતપુરના વાડાસડામાં જુગારધામ પર LCBનો દરોડો

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વાડાસડા ગામની સીમમાં એક ખેતરના મકાનમાં ચાલતા જુગારધામ પર રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગાર રમતા સાત શખ્સોને ₹57,500ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર (IPS) દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી.

પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, પોલીસે વાડાસડા ગામની સીમમાં આવેલા ગીરીશભાઈ ભગવાનજીભાઈ રીબડીયાના ખેતરમાં આવેલા મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ખેતર માલિક ગીરીશભાઈ રીબડીયા પોતે બહારથી માણસો બોલાવી, તેમને સુવિધાઓ પૂરી પાડીને પોતાના ખેતરમાં તીનપત્તીનો જુગાર રમાડતો હતો.

પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના વડે હારજીતનો જુગાર રમતા સાત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં વાડાસડા ગામના ગીરીશભાઈ ભગવાનજીભાઈ રીબડીયા (ઉ.વ. 44), જયેશભાઈ રાઘવભાઈ સીંગાળા (ઉ.વ. 50), હિતેન્દ્રસિંહ નટવરસિંહ ચૌહાણ (ઉ.વ. 50), વિજયસિંહ ભીખુભાઈ ચૌહાણ (ઉ.વ. 50), બાવનજીભાઈ રણછોડભાઈ રીબડીયા (ઉ.વ. 58), દિવ્યેશભાઈ વ્રજલાલ સીંગાળા (ઉ.વ. 36) અને કલ્પેશભાઈ બાવનજીભાઈ રીબડીયા (ઉ.વ. 40)નો સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી રોકડ રકમ ₹57,500 અને જુગારના સાધનો કબજે કરવામાં આવ્યા હતા. આ મામલે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *