રાજકોટ શહેર SOG દ્વારા માદક પદાર્થ ગાંજાના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા ચોકડી નજીકથી બિહારના ઉપેન્દ્ર પાસવાન નામના શખસની ધરપકડ કરી તેની પાસેથી 9.900 કિલો ગાંજો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
9.900 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ SOG ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ઉપેન્દ્ર પાસવાન નામનો શખસ ગાંજાના જથ્થા સાથે કુવાડવા ચોકડી નજીકથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેને અટકાવ્યો હતો. આરોપીની ઓળખ ઉપેન્દ્ર બહાદૂરરામ પાસવાન (રહે. ભોજપુર, બિહાર) તરીકે થઈ છે. તેની અંગજડતી લેતાં ₹4.95 લાખની કિંમતનો 9.900 કિલો ગાંજો, મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
બિહારથી ગાંજાનો રાજકોટ લાવ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તે અગાઉ પણ ત્રણ વખત ગાંજાની ખેપ મારી ચૂક્યો છે અને આ તેની ચોથી ખેપ હતી. તે બિહારથી ગાંજાનો આ જથ્થો લાવી રાજકોટના ‘મહંમદ’ નામના શખસને આપવા આવ્યો હતો. SOG પોલીસે હવે મુખ્ય રિસીવર મહંમદને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.