રાજકોટ શહેરમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. શહેર SOG દ્વારા કુવાડવા રોડ પરથી કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડી તપાસ કરતા અગાઉ પ્રતિબંધિત બાયોડીઝલના જથ્થા સાથે જૂનાગઢમાં ઝડપાયેલ મહેલમ ભારમલને પોતાના ઇન્ડસ્ટ્રી ઉપયોગ માટે રાખી શકાય પરંતુ વેચાણ ન કરી શકાય તેવા બી ગ્રેડ કેમિકલના 1900 લીટર જથ્થા સાથે ઝડપી પાડી કુલ રૂ.3.17 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેર SOG પીઆઇ એન.બી.ચૌધરીના જણાવ્યું મુજબ, આજે જયારે SOG ટિમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન તેઓને ચોક્કસ બાતમી મળી હતી કે, કુવાડવા રોડ પર રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં બ્રિલોન રબર ઇન્ડસ્ટ્રીઝની સામે ગોડાઉનમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો રાખી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેથી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સ્થળ પર બે લોકો મળી આવ્યા હતા જેમાં એક જૂનાગઢના વિસાવદરનો રહેવાસી મહેલમ ભારમલ અને બીજો રાજકોટનો રહેવાસી રણજીત ધાંધલ મળી આવ્યા હતા. જેને સાથે રાખી તપાસ કરતા ગોડાઉનમાંથી ગેરકાયદે રીતે બનાવેલ ઇલેક્ટ્રિક ફ્યુલ પંપ, કેમિકલ ભરવા માત્ર પ્લાસ્ટિકના બે કન્ટેનર, ઇલેક્ટ્રિક મોટર, લેપટોપ મળી આવ્યું હતું.
આ સાથે 1900 લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ કેમિકલનો જથ્થો પણ મળી આવ્યો હતો જેને ફેકટરીના ઉપયોગ માટે 2500 લીટર સુધી રાખવાની છૂટ હોય છે પરંતુ આ ગોડાઉનમાં આરોપીઓ ફ્યુલ પમ્પ બનાવી માલવાહક વાહનોમાં ડીઝલના બદલે આ ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ કેમિકલ રૂ.85ના ભાવથી એક લીટર વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલ બન્ને શખ્સોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે છેલ્લા ચાર મહિનાથી ગોડાઉન ભાડે રાખી આ રીતે કેમિકલનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું જયારે આ કેમિકલ જૂનાગઢના વિસાવદર ખાતે મહેલમ ભારમલના પ્લાન્ટમાંજ બનાવવામાં આવતું હતું.