રાજકોટના જસદણ તાલુકાના ખેડૂત સાથે ફેસબુક પર મિત્રતા કરી આફ્રિકન યુવતીએ ગિફ્ટ મોકલવાના નામે અન્ય આરોપીઓ સાથે મળી રૂ. 6.30 લાખ પડાવ્યા’તા. ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ તપાસ કરતા તેઓ યુવતીના પૂર્વ પ્રેમીએ તૈયાર કરેલી સ્ક્રીપ્ટ મુજબ જ ગુનાને અંજામ આપતા. પોલીસે દિલ્હીથી પૂર્વ પ્રેમીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ પર લીધો છે. પૂછપરછમાં એક જ મોડસ ઓપરેન્ડીથી 6 લોકોને ખંખેર્યા હોવાની વિગતો મળી છે.
જસદણના ખેડૂત સાથે રૂ. 6.30 લાખની છેતરપિંડીના કેસમાં ઝડપાયેલી એન્જલ અને અન્ય બે આરોપીઓની પૂછપરછમાં એન્જલના પૂર્વ પ્રેમી માજીઓનું મદુઆબુચીનું નામ ખૂલ્યું. રાજકોટ પોલીસ તેને દિલ્હીથી ઝડપી લાવી છે અને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસનું માનીએ તો, આરોપી માજીઓનું મદુઆબુચીની અને થોડા સમય પહેલા ઝડપાયેલી એન્જલ વચ્ચે પ્રેમસંબંધ હતો. પરંતુ, માર્ચ મહિનામાં બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું. જ્યારે બંને રિલેશનશીપમાં હતા ત્યારે માજી જ ફ્રોડ માટેનો પ્લાન બનાવી સ્ક્રીપ્ટ તૈયાર કરતો. તૈયાર કરેલી સ્ક્રીપ્ટ મુજબ જ એન્જલ અલગ અલગ વ્યકિતનો સંપર્ક કરી ગિફ્ટ મોકલવાના નામે પૈસા પડાવતી. સામેની વ્યક્તિને શંકા ન પડે તે માટે ગેંગના સભ્યો પાર્સલના વ્યવસ્થિત ફોટા પાડી AI કે ચેટ GPT જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી વ્યવસ્થિત ઓરીજીનલ પાર્સલ જેવો ફોટો બનાવતા.