30 જુલાઈના રોજ રાજકોટમાં ભાવનગર રોડ પર પ્રાઈમ એન્ટરપ્રાઇઝ આંગડીયા પેઢીમાં બંદૂકની અણીએ 19 લાખની લૂંટ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે વેશ પલટો કરી બે આરોપી રમઝાનઅલી (પશ્ચિમ બંગાળ) અને પ્રવીણ ખજીઓ (મથુરા)ની ધરપકડ કરી છે, જ્યારે લૂંટના મુખ્ય બે આરોપીઓ આસ અયુબ અને ઇલુ ખટીક હજુ પણ ફરાર છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે 10 દિવસ ગુજરાત સહીત 7 રાજ્યોમાં તપાસ કરી લૂંટમાં મદદ કરનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
લૂંટના મુખ્ય આરોપીઓ પોલીસથી બચવા અલગ અલગ નુસખા અપનાવતા હતા. જેમાં તેઓ ચોરીના વાહનોમાં કોટી નંબર પ્લેટ લગાવતા તથા એન્જિન અને ચેચીસ નંબર પણ ભૂસી નાખતા હતા. આ ઉપાંત દિલ્હીથી રાજકોટ આવીને હોટલમાં રોકાવવાને બદલે ભાડે રૂમ રાખીને રહેતા હતા. તેમજ મોબાઈલ લોકેશનથી બચવા ડ્રગ્સ પેડલરોની પ્રાઈવેટ મેસેન્જર એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા.
રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ શેખને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે પ્રવીણ ખજીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. પોલીસે આરોપીની ધરપકડ કરી 2 લાખ રોકડ કબજે કરી બાકીનો મુદ્દામાલ રિકવર કરવા તેમજ ફરાર મુખ્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રમઝાનઅલીએ ભગવતીપરામાં એક રૂમ ભાડે રાખ્યો હતો પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી રમઝાનઅલી છેલ્લા 3 મહિનાથી રાજકોટના સોની બજારમાં મજૂરી કામ કામ કરતો હતો. અગાઉ તે દિલ્હીમાં કામ કરતો હતો ત્યારે આસુ સહિતના 3 આરોપીઓ સાથે મુલાકાત થઈ હતી. ગત જુલાઈમાં આરોપી આસુએ ફોન કરી રમઝાનઅલીને 3 માણસો રહેવાની વ્યવસ્થા અને લૂંટને અંજામ આપવા અંગે વાત કરી હતી. રમઝાનઅલીએ ભગવતીપરામાં એક રૂમ ભાડે રાખ્યો હતો.