રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તભંગ અને બેદરકારીના પગલાં લઇ ખાતાકીય તપાસના આદેશો આપવામાં આવ્યા હતા અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં ATP મુકેશ રામજીભાઈ મકવાણા અને રાજેશ નરશીભાઈ મકવાણાને 8 જુલાઈ 2026ના રોજ નોકરીમાંથી બદતરફ કરવામાં આવ્યા હતાં.
જેની સામે બંને ATP દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવી કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમની સામે જે ખાતાકીય તપાસ કરવામાં આવી છે તે સંપૂર્ણપણે ખામીયુક્ત અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ છે. બન્ને પક્ષની દલીલોના અંતે હાઇકોર્ટ દ્વારા બરતરફ ઓર્ડર પર સ્ટે આપી હાલ બનંને સસ્પેનશન હેઠળ ગણી નિયમ મુજબ ભથ્થાની ફાળવણી કરવા હુકમ કર્યો છે. આ સાથે મનપાને નોટિસ ઇસ્યુ કરી આગળની વધુ સુનવણી 7 ઓગસ્ટના રોજ મુકરર કરી છે.
ATPએ પોતાના એડવોકેટ મારફત રજુઆત કરતા જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા માત્ર એકતરફી કાર્યવાહી કરીને તેમને પોતાનો બચાવ કરવાની કોઈ જ યોગ્ય તક પૂરી પાડી ન હતી. કાયદાકીય જોગવાઈઓ મુજબ કોઈ પણ કર્મચારીને મોટી સજા ફટકારતા પહેલા તેમને તપાસ અહેવાલની નકલ આપવી ફરજિયાત હોય છે. પરંતુ આ કેસમાં કોર્પોરેશન દ્વારા તેમને ઈન્કવાયરી રિપોર્ટ આપવામાં આવ્યો ન હતો. માટે જો તપાસનો રિપોર્ટ જ ન આપવામાં આવે તો તેઓ પોતાના બચાવમાં અસરકારક રજૂઆત કેવી રીતે કરી શકે? આ કેસમાં તેઓ નિર્દોષ હોવા છતાં, તંત્ર દ્વારા જોરહુકમી વાપરીને તેમની વર્ષોની લાંબી અને નિષ્ઠાવાન સેવાને અંત્યંત અપમાનજનક રીતે અંત લાવી દેવામાં આવ્યો છે.