છેલ્લા કેટલાક સમયથી માણસ પર સિંહે કરેલા હુમલાની ઘટનાઓએ ચિંતા વધારી છે. ભાવનગર પંથક અને જાફરાબાદના દરિયા કિનારા સુધી સિંહ જોવા મળે છે. ત્યારે એક સવાલ થાય કે આખરે સિંહ જંગલની બહાર કેમ નીકળી રહ્યાં છે? 3 દાયકાથી વધુનો અનુભવ ધરાવતા પૂર્વ વન સંરક્ષક પાસે ઉદય વોરા પાસેથી જાણો સિંહોના બદલાતા મિજાજનું ગણિત.
ગીરના સિંહો આજકાલ પોતાની માનવભક્ષી વૃત્તિઓથી ઘણા ચર્ચામાં છે. જૂન અને જુલાઇ મહિનામાં સિંહે એક બાળક સહિત 5 માનવીને ફાડી ખાધાના બનાવ બન્યા છે. ગિરનાર પર્વત પર 50મા પગથિયા પાસેથી સિંહ 12 વર્ષના બાળકને ખેંચીને લઇ ગયો હતો એ જ પગથિયા પાસે સિંહ ફરતા હોવાના દૃશ્યો હજુ ગઇકાલે જ સામે આવ્યા છે. પાલિતાણાના મોટા ગરાજિયા ગામે સિંહે એક માલધારીને અડધો કલાક સુધી પકડી રાખ્યો હતો. જેનો વીડિયો તમે જોયો જ હશે. આ બધા બનાવો અલગ અલગ જગ્યાએ નોંધાયા છે પણ તેમાં સામ્યતા એ છે કે એકેય બનાવ જંગલમાં નથી બન્યો, સિંહ જંગલની બહાર નીકળ્યા છે.
ગામડાં મોટા થયા, કોરિડોર નાશ પામ્યાં ઉદય વોરા કહે છે કે, સિંહો સાસણ ગીરમાંથી બહાર નીકળ્યા છે. સૌરાષ્ટ્રની રસધાર મુજબ આજથી 200 વર્ષ પહેલાં લગભગ એમનો વિસ્તાર 5,000 ચોરસ કિમી હતો. એ સાંકડો થઇને અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન થઇને 1412 કિમી જેટલો જ રહ્યો છે. એ સિવાય બધેથી જંગલ નીકળી ગયા. ગીરનાર, બરડો, મિતિયાળા સચવાઇ રહ્યા છે પરંતુ ગીરથી ત્યાં જોડતાં કોરિડોર નાશ પામ્યા. જે છે એમાં વચ્ચે ખેતી, ઉદ્યોગો, માઇનિંગ જેવી પ્રવૃત્તિઓ આવી ગઇ. ગામડાં મોટા થઇ ગયા છે.