માતા-પુત્રએ સાથે આપઘાતનો પ્રયાસ કર્યાની બે ઘટના સામે આવી

રાજકોટમાં આપઘાત અને આપઘાતના પ્રયાસની ઘટનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા રાજકોટના ખખ્ખર પરિવારના માતા-પિતા અને પુત્રની આપઘાત ઘટના લોકો ભૂલ્યા નથી ત્યાં વધુ બે કરુણ બનાવ સામે આવ્યા છે જેમાં રાજકોટ શહેરમાં એક અને જિલ્લામાં એક મળી બે માતા પુત્રએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટનામાં ન્યારા ગામ નજીક એસિડ પી ખાણમાં ઝંપલાવનાર માતા-પુત્રના મોત થયા છે જયારે કોઠારીયા વિસ્તારમાં ઘર કંકાસના કારણે ઝેરી દવા પી લેનાર પુત્રનું મોત નીપજ્યું છે જયારે બીજા બનાવમાં માતાની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ બનાવમાં રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોઠારીયા વિસ્તારમાં રામેશ્વર સોસાયટીમાં રહેતા માતા પુત્રએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં સારવાર દરમિયાન પુત્ર બ્રિજેશ મનસુખભાઈ રબારા (ઉ.વ.26)નું મોત નીપજ્યું હતું જયારે માતા દમયંતીબેન મનસુખભાઈ રબારા (ઉ.વ.58)ની હાલત પણ ગંભીર હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગેની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશન હોસ્પિટલ પહોંચી યુવકના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં મૃતક બ્રિજેશના લગ્ન થોડા સમય પહેલા થયા હતા આ પછી ઘરમાં કોઈ બાબતે બોલાચાલી થતી હોય તેથી ઘર કંકાસના કારણે કંટાળી માતા-પુત્રએ ઝેરી દવા પી હોવાનું સામે આવ્યું છે.

જયારે બીજા બનાવમાં રાજકોટ જામનગર રોડ પર આવેલ ન્યારા ગામના પાટિયા પાસે માતા-પુત્રએ એસિડ પી ખાણમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો બનાવ અંગે જાણ થતા તેમને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવા આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન 11 વાગ્યા આસપાસ માતા જયાબેન નકુમ (ઉ.વ.50) અને પુત્ર નિલેશ મનસુખભાઈ નકુમ (ઉ.વ.27) નું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ સિવિલ ચોકીના સ્ટાફ દ્વારા પડધરી પોલીસને કરવામાં આવતા પડધરી પોલીસ હોસ્પિટલ આવી માતા પુત્રના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસમાં માતા પુત્રએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *