નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’નું મોસ્ટ અવેટેડ ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. મેકર્સે તેને ભારતીય સમય અનુસાર 30 જુલાઈ સવારે 4:15 વાગ્યે, બ્રહ્મ મુહૂર્તના શુભ અવસરે દુનિયાભરમાં લોન્ચ કર્યું. ‘રામાયણ’ના ટ્રેલરને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં એકસાથે ડિજિટલ પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરવામાં આવ્યું છે.
રિલીઝ થયેલા ટ્રેલરમાં રણબીર કપૂરની ભગવાન રામ તરીકેની ભવ્ય અને અદભુત ઝલક જોવા મળે છે. તેમાં યશનો ભયાનક રાવણનો લુક પણ છે. દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે તે પડદા પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર છે. સાઈ પલ્લવી સીતા તરીકે પ્રભાવશાળી દેખાય છે. ટ્રેલર સૂચવે છે કે પહેલો ભાગ રામના વનવાસથી લઈને રાવણના ઉદય સુધીના કથાવસ્તુને તેજસ્વી રીતે આવરી લેશે. નિતેશ તિવારીએ પહેલાથી જ ખુલાસો કર્યો છે કે પહેલો ભાગ એક ક્લિપહેન્ગર પર સમાપ્ત થશે – પહેલી ‘બાહુબલી’ ફિલ્મની જેમ, જેણે દર્શકોને આશ્ચર્યચકિત કર્યા હતા કે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો, જેના કારણે તેઓ જવાબ શોધવા માટે સિક્વલ જોવા માટે પ્રેરિત થયા. આ સ્પષ્ટપણે સૂચવે છે કે પહેલો ભાગ એક રોમાંચક તબક્કે સમાપ્ત થશે.
રામાયણના ટ્રેલરે દર્શકોનું દિલ જીત્યું
‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું. ભવ્ય દ્રશ્યો, ભગવાન રામના પાત્ર અને રાવણ બનેલા યશના દમદાર અંદાજની ખૂબ પ્રશંસા થઈ રહી છે. એક યુઝરે લખ્યું, “આ માત્ર ટ્રેલર નથી, પેઢીઓથી જોડાયેલી એક ભાવના છે.” જ્યારે બીજાએ કહ્યું, “કેટલીક ફિલ્મો જોવાય છે, રામાયણ અનુભવાય છે.” એક યુઝરે લખ્યું, “રાવણના પાત્રમાં યશની કાસ્ટિંગ શાનદાર છે.” જ્યારે સાઈ પલ્લવીના સીતા રૂપને જોઈને લોકોએ કહ્યું, “મા સીતાના રૂપમાં સાઈ પલ્લવી દિવ્ય લાગી રહી છે.” ઘણા દર્શકોએ એ પણ લખ્યું કે ટ્રેલર જોવાની ઉત્સુકતામાં તેઓ આખી રાત સૂઈ શક્યા નહીં.