રાજકોટમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ઓનલાઈન વેઈટ લોસની દવા મંગાવનાર 62 વર્ષના વૃદ્ધાને સાયબર ગઠિયાઓએ જાળમાં ફસાવી યેનકેન પ્રકારે રૂ.84.38 લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. જે અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આ કેસમાં દિલ્હીના રહેવાસી એવા મુખ્ય આરોપીની ધરપકડ કરી ફ્રોડમાં ગયેલ રકમ પૈકી 26 લાખ રકમ રિકવર કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ફેસબુકમાં વેઈટ લોસ માટેની જાહેરાત જોઈને ફસાયા રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રહેતા કુસુમબેન પ્રદીપભાઈ ટાંક (ઉ.વ.62) નામના વૃદ્ધાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે, તે હાલ એકલા રહે છે અને પુત્ર દુબઈમાં નોકરી કરે છે. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. 2024માં ફેસબુકમાં વેઈટ લોસ માટેની જાહેરાત જોઈ તેમાં આપેલી લીંક ઓપન કરી ફોર્મ ભર્યું હતું. બીજા દિવસે સવારે એક હેલ્થ કેર કંપનીમાંથી ડો. અમન મિશ્રા તરીકેની ઓળખ આપનારે હાઈટ, વેઈટ અને બોડી પેઈન વિશે માહિતી મેળવી એક માસની દવાના રૂ.4000 અને બે માસની દેવા માટે બીજા રૂ.3000 થશે તેમ કહ્યું હતું.
આ પછી બીજા અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેને પણ વેઇટ લોશ અને દવા બાબતે વાતચીત કરી દવાથી ફેર ન પડતો હો તો વધુ હેવી ડોઝ ની દવા મોકલ આપવા બહાને વધુ રૂપિયા પડાવ્યા હતા. આગળ જતા ખોટા બીલો તેમજ RBIના ખોટા લેટર તથા હર્ષવર્ધન દ્વારા પોતાની ઓળખ RBIના અધિકારી તરીકે આપી ફરિયાદીને બ્લેકમેલ કરી અલગ અલગ સમયે મળી કુલ 84.38 લાખ પડાવી લીધા હતા જે અંગે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આઇટી એક્ટ તેમજ BNS ની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.