રાજકોટમાં PGVCLના એકાઉન્ટન્ટ સાથે MDના નામે ₹45 લાખની છેતરપિંડીની ઘટના બાદ, સમાન મોડેસ ઓપરેન્ડીથી વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે. શહેરની એક ખાનગી કંપનીના MDનો ફોટો અને નામ ધરાવતા વોટ્સએપ નંબર પરથી મેસેજ કરી એકાઉન્ટન્ટ પાસેથી ₹29 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
MDના ફોટો અને નામ વાળા વોટ્સએપ નંબર પરથી મેસેજ કંપનીમાં છેલ્લા ચાર મહિનાથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કવિતાબેન શાહે નોંધાવેલી ફરિયાદ મુજબ 16 જુલાઈ, 2026ના રોજ ઓફિસના મોબાઈલ નંબર પર કંપનીના MD ધર્મેન્દ્ર પારેખના ફોટો અને નામ વાળા વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં અન્ય તમામ કામ બાજુ પર મૂકી કંપનીના બેંક એકાઉન્ટ્સમાં ઉપલબ્ધ બેલેન્સની માહિતી પ્રાયોરિટી ધોરણે આપવા જણાવાયું હતું, જેથી એકાઉન્ટન્ટે સ્ક્રીનશોટ મોકલ્યા હતા.
20 જુલાઈ, 2026ના રોજ અજાણ્યા નંબરેથી ICICI બેંકના એક ખાતામાં ₹29 લાખ ટ્રાન્સફર કરવાનો મેસેજ મળ્યો હતો. કંપનીના નિયમ મુજબ ઓપરેશન હેડ સમીરભાઈ પાટડીયાની મંજૂરી મેળવ્યા બાદ, કંપનીના એક્સિસ બેંક ખાતામાંથી ₹29 લાખ ટ્રાન્સફર કરી તેની પીડીએફ રસીદ મોકલી દેવામાં આવી હતી.
બીજા પ્રયાસ વખતે ફ્રોડનો પર્દાફાશ 21 જુલાઈ, 2026ના રોજ સાયબર ગઠિયાએ અન્ય એક બેંક ખાતામાં ₹48.5 લાખ ટ્રાન્સફર કરવા માટે મેસેજ કર્યો હતો. રકમની સ્પષ્ટતા કરવા માટે એકાઉન્ટન્ટે કંપનીના અસલી MD ધર્મેન્દ્ર પારેખને ફોન કરીને પૂછપરછ કરી હતી. MDએ આવું કોઈ પેમેન્ટ કરવાનું ન કહ્યું હોવાનું જણાવતા જ છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ત્વરિત સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.