દિલીપ મહાદુ ગાવિતે ભારતને કોમનવેલ્થ ગેમ્સ 2026માં ત્રીજો ગોલ્ડ અપાવ્યો છે. તેઓ પેરા 100 મીટરની રેસમાં 10.71 સેકન્ડના સમય સાથે પ્રથમ સ્થાને રહ્યા. ભારતના જ મોહમ્મદ બાસિલે 10.83 સેકન્ડ સાથે સિલ્વર જીત્યો.
આ પહેલા લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે 8.09 મીટરની છલાંગ લગાવીને સિલ્વર મેળવ્યો. તેઓ પુરુષોની લાંબી કૂદમાં સતત બે કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર જીતનારા પ્રથમ ભારતીય બન્યા. આ ઇવેન્ટનો ગોલ્ડ જમૈકાના તજય ગેલ (8.15 મીટર)એ જીત્યો.
ગાવિત અને બાસિલના મેડલ પછી ભારત મેડલ ટેલીમાં 8મા સ્થાને આવી ગયું છે. ભારત પાસે 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત 15 મેડલ થઈ ગયા છે.
જાસ્મિન ટોપ-4માં પહોંચનાર 10મી બોક્સર
જાસ્મિન લેમ્બોરિયાએ વિમેન્સ કેટેગરીના 57 કિગ્રામાં ઇંગ્લેન્ડની ઇલિસ ગ્લિનને 4-1થી હરાવી. તે સેમિફાઇનલમાં પહોંચનાર 10મી બોક્સર બની ગઈ છે.
તેના પહેલા વિમેન્સ કેટેગરીમાં અરુંધતીએ 70 કિગ્રામાં ન્યુઝીલેન્ડની મોર્ગન એડરસનને 3-1થી હરાવી. સાક્ષી ચૌધરીએ 51 કિગ્રામાં નોર્ધન આયર્લેન્ડની કેથલીન ફ્રેયરને 5-0થી હરાવી.
પુરુષોમાં નરેન્દ્ર બેરવાલે 90 કિગ્રામાં સમોઆના માઇકલ સેકોને 3-2થી હરાવ્યો. અંકુશ પંઘલે 80 કિગ્રામાં સેશેલ્સના જે મિકોકને 5-0થી હરાવ્યો. સચિને 70 કિગ્રામાં બોત્સ્વાનાના ટ્રેઝર મોરેમીને 5-0થી હરાવ્યો.