અમેરિકાએ ચીન સહિત અન્ય દેશોમાંથી આવતા માણસ જેવા દેખાતા (હ્યુમનૉઇડ) અને ચાર પગે ચાલતા (ક્વાડ્રુપૅડ) રોબોટની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.
અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC) એ આ નિર્ણય પાછળ રાષ્ટ્રીય સુરક્ષા અને સાયબર સુરક્ષા સંબંધિત જોખમોનો ઉલ્લેખ કર્યો છે. જોકે, આ પ્રતિબંધ ફક્ત તે રોબોટ પર લાગુ પડશે જે હજુ અમેરિકા પહોંચ્યા નથી. પહેલાંથી ઉપયોગમાં લેવાઈ રહેલા રોબોટ આ નિર્ણયના દાયરામાં આવશે નહીં.
આ નિર્ણય પર ચીને સખત પ્રતિક્રિયા આપી છે. વોશિંગ્ટન સ્થિત ચીની દૂતાવાસે આરોપ લગાવ્યો કે અમેરિકા કોઈ પણ પુરાવા વિના ચીની કંપનીઓને નિશાન બનાવી રહ્યું છે. ચીને કહ્યું કે તે પોતાના હિતોની રક્ષા માટે જરૂરી વળતા પગલાં લેશે.
અમેરિકાનું માનવું છે કે જો દેશની આવશ્યક સેવાઓમાં વિદેશી કંપનીઓના રોબોટનો ઉપયોગ વધતો જશે, તો રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો વધી શકે છે.
સરકારને આશંકા છે કે કોઈ વિવાદ કે તણાવની સ્થિતિમાં આ રોબોટનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત, સાયબર હુમલાઓ દ્વારા વીજળી ગ્રીડ, સંચાર નેટવર્ક અને અન્ય મહત્વપૂર્ણ સિસ્ટમોને પણ નિશાન બનાવી શકાય છે.
આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે AI, રોબોટિક્સ અને અન્ય અદ્યતન તકનીકોમાં પ્રભુત્વ મેળવવાની સ્પર્ધા તેજ બની છે. અમેરિકા ઈચ્છે છે કે ભવિષ્યની મહત્વપૂર્ણ તકનીકો માટે તેની વિદેશી કંપનીઓ પરની નિર્ભરતા ઓછી થાય અને સ્થાનિક કંપનીઓ મજબૂત બને.