પીઢ એક્ટર અન્નુ કપૂરે તાજેતરમાં રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘રામાયણ’માં માતા સીતાનો રોલ સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવીને આપવા પર પ્રશ્ન ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે, ફિલ્મ નિર્માતાઓ કોઈ બીજા વિષય પર ફિલ્મ બનાવી શક્યા હોત, કારણ કે તેઓ ગમે તે કરીને રામાનંદ સાગર જેવી ફિલ્મ બનાવી શકશે નહીં.
અન્નુ કપૂરે તાજેતરમાં ‘ઝૂમ’ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, ‘ભારતમાં બાયોપિક ન બનાવવી જોઈએ.’ આગળ અન્નુ કપૂરે નિતેશ તિવારીની આગામી ફિલ્મ ‘રામાયણ’ પર કહ્યું, ‘શું બનાવશે, જે બનાવશે, તે રામાનંદ સાગરની રામાયણને ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ શૂ શાં અને ફું ફાં અને શોશેબાજી કરી દેશે. પરંતુ તે પછી તમે વિચારો કે તમે સીતાનો રોલ કોને આપ્યો છે. સીતા માતા છે, આ દેશના હિંદુ શ્રી રામચંદ્રને નારાયણનો અવતાર માને છે અને માતા સીતાના રોલમાં કોને લીધા છે. હવે તમે વિચારો.’
આગળ અન્નુ કપૂરે એમ પણ કહ્યું છે કે, તેઓ નિતેશ તિવારીને ઓળખતા પણ નથી. તેઓ ફિલ્મો જોતા નથી, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેઓ રામાયણ બનાવી રહ્યા છે, ત્યારે તેમણે નિતેશ તિવારીનો નહીં પરંતુ ‘રામાયણ’ બનાવવાનો વિરોધ કર્યો.
નોંધનીય છે કે, એપિક સાગા ફિલ્મ ‘રામાયણ’, ભારતીય સિનેમાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. નિતીશ તિવારીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં છે. આ ફિલ્મ 8 નવેમ્બરે રિલીઝ થવા માટે શેડ્યૂલ છે.