ઉપલેટામાં પશુઓનું ‘રસ્તારોકો’ આંદોલન‎

ઉપલેટા નગરપાલિકાએ તાજેતરમાં લાખો રૂપિયા ખર્ચી ખુંટિયાઓને ડબ્બે પુરવાની ઝુંબેશ હાથ ધરી હતી. પરંતુ હાલમાં શહેરનો એકપણ એવો વિસ્તાર નથી કે જ્યાં રસ્તે રઝળતા પશુઓ ન હોય અને એક પણ દિવસ એવો નહીં હોય કે જાહેર માર્ગ પર આખલાયુદ્ધ સર્જાયા નહી હોય.

જેનો ભોગ ઉપલેટા ના નિર્દોષ નાગરીકો બની રહ્યા છે. આજદિન સુધીમાં ઉપલેટામાં રસ્તેથી પસાર થનારા અનેક વ્યક્તિઓને ખુંટીયાઓ હડફેટે લઈ ચુક્યા છે. છતાં નગરપાલિકાના અધિકારીઓ આ પ્રશ્ને આંખ આડા કાન કરી રહ્યા છે.

ત્યારે ઉપલેટા શહેરના આટકોટ રોડ પર રસ્તે રઝળતા પશુઓને જાણે કે ગામવટો અપાયો હોય તેમ રોડની વચોવચ જ લાંબી લાઈન ખડી કરી દેતા વાહનચાલકોને નાછૂટકે ટર્ન લેવો પડી રહ્યો છે. જો કે દરરોજની આ પશુઓની સમસ્યાથી કંટાળી ગયેલા નગરજનોની માંગણી ઉઠી છે કે પાલિકા દ્વારા શહેરભરમાં રસ્તે રઝળતા પશુઓને ગામવટો આપવામાં આવે.

એક પણ વિસ્તાર એવો નથી બચ્યો કે જ્યાં પશુઓની પેશકદમી ન હોય‎ ઉપલેટા શહેરની મેઈનબજાર, કટલેરીબજાર, કોલકી રોડ, ટાવરચોક, ગાંધી ચોક, બસસ્ટેન્ડ, પોરબંદર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં રસ્તે રઝળતા પશુઓ સતત અડીંગો જમાવી બેસતા હોવાથી અવાર-નવાર જાહેરમાં આખલા યુદ્ધના દ્રશ્યો સર્જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *