રાજકોટ શહેરમાં વધુ બે આપઘાતની ઘટના સામે આવી છે. પ્રથમ બનાવમાં વિજય રવજીભાઈ દોમડીયા નામના યુવાને બીમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું અને બીજા બનાવમાં સતીશ ચૌહાણ નામના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
બીમારીથી કંટાળી યુવકે કર્યો આપઘાત વિજય રવજીભાઈ દોમડીયા (ઉં.વ.30) ગઈકાલે 4 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટાફ મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પૂછપરછમાં મૃતક વિજયભાઈએ પ્રેમ લગ્ન કર્યાં હોવાનું અને આણંદપર ગામ રહેતા હતા પરંતુ ચાર પાંચ મહિના પહેલા કામ ધંધાની શોધમાં રાજકોટ વેલનાથ વિસ્તારમાં પોતાના ભાઈની સાથે રહેવા આવ્યા હતા. મૃતકે પગમાં અગાઉ ઓપરેશન કરી સળિયા નખાવ્યા હતા હવે આ સળિયા ખૂબ દુઃખાવો કરતા હતા અને સળિયા કાઢવા માટે ઓપરેશનની વાતચીત ચાલતી હતી. પરંતુ અસહ્ય દુઃખાવાથી કંટાળી ઘરે પાંખમાં સાળી બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
કુવાડવા રોડ પર રણછોડદાસ આશ્રમ પાસે આવેલા રોહીદાસ પરા શેરી નં.7માં રહેતા સતીષ જેશીંગભાઇ ચૌહાણ (ઉ.વ.37) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સતીષ બે ભાઇ એક બહેનમાં નાનો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. તેના પિતા બહુમાળી ભવનના નિવૃત્ત કર્મચારી છે.
સતીષના ચાર વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હોવાનુ જાણવા મળ્યુ છે. તેણે આ પગલુ શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી બી ડિવિઝન પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
તીથવા ગામે હાર્ટ એટેક આવતા રાજકોટના યુવકનું મોત નીપજ્યું રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતો પ્રવિણ દિનેશભાઇ સોલંકી (ઉ.વ.27) ગઇકાલે 3 વાગ્યા આસપાસ વાંકાનેરના તીથવા ગામે હતો ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો જેથી યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયા તેનુ મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન શાકભાજીનો ધંધો કરતો હતો અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું સામે આવ્યું છે. પ્રવિણ સોલંકીના પડધરી રહેતા સાળાની ગઇકાલે તીથવા ગામે જાન ગઇ હતી જેમાં તે સાથે ગયો હતો જયા તેનુ હાર્ટએટેકથી મોત થતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.