રાજકોટના દેવપરામાં લગ્નના 17 વર્ષ બાદ મહિલાને ‘તારા જેવી સાથે રહેવું નથી’, તેમ કહી પતિએ પત્નીને તરછોડી દીધી. જેથી માવતરે રહેતી પરિણીતાને પતિ, સાસુ અને દિયર ઘરકામ બાબતે બોલાચાલી કરી માર મારી સાસુએ ‘મારા દીકરાને છૂટું આપી દે’ કહી હાથ મરડી ફડાકા માર્યા હતા. દિયરે આવીને ‘ઘરમાં રખાય જ નહીં’ કહી ઝઘડો કરતા પરિણીતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાને સંતાનમાં એક દીકરી-બે દીકરા દેવપરા વિવેકાનંદ શેરી નં.8માં પિતાના ઘરે રહેતી પરિણીતા બિમલબેન કારેલીયાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ રવિન્દ્ર જેન્તીભાઈ કારેલીયા, સાસુ અરુણાબેન કારેલીયા અને દિયર લખન કારેલીયા (રહે. તમામ ગોંડલ, ભવનાથ 02, શેરી નં.5)નું નામ આપી જણાવ્યું હતુ કે, તેના લગ્ન વર્ષ 2009માં રવિન્દ્ર કારેલીયા સાથે થયા હતા. પતિ ફેબ્રિકેશનનું કામ કરતો હતો. સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.
ઘરકામ બાબતે માર માર્યો, 18 દિવસ બાદ સમાધાન લગ્ન બાદ પરિણીતા પતિ સાથે ગોંડલ રહેવા જતી રહી હતી. સંયુક્ત કુટુંબમાં 6 વર્ષ સાથે રહ્યા બાદ પતિ અને બાળકો સાથે પરિણીતા શાપર ગામે ભાડાનું મકાન રાખી બે વર્ષ રહ્યા હતા. જે બાદ શાપર ગામે જે. કે. ફૂડ પ્રોડક્ટ્સ નામે પોપ ચિપ્સનું કારખાનું કર્યું હતુ. જેમાં પરિણીતા પ્રોપરાઈટર તરીકે કામ કરતી હતી અને કારખાના પર લોન લીધી હતી. 26 એપ્રિલ, 2026ના રોજ રાત્રિના પરિણીતા ઘરે હતી, ત્યારે પતિએ ઘરકામ બાબતે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી ઘર છોડીને ચાલ્યા ગયા હતા. સમાજ મારફતે સમાધાન કર્યા બાદ 18 દિવસે પતિ ઘરે પરત ફર્યા હતા.
પતિ ધરે આવી કપડા ભરવા લાગ્યો, જમવાનું કહેતાં માર માર્યો પરિણીતા અને બાળકો કારખાનામાં કામ કરતા હતા, ત્યારે તેના દીકરાનો હાથનો અંગૂઠો મશીનમાં આવી જતા સિવિલ હોસ્પિટલે સારવાર કરાવી હતી. સારવાર બાદ 12 જૂનના હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પતિને ફોન કરતા તેને ફોન ઉપાડ્યો ન હતો. રાત્રિના આઠ વાગ્યે આસપાસ પતિ ઘરે આવી કપડાં ભરવા લાગ્યો હતો, જેથી રસોઈ થઈ ગઈ હોવાથી તેને જમવાનું કહેતા પતિએ કહ્યું હતું કે, મારે તારા જેવી સાથે રહેવું નથી. તું મને રોકતી નહીં, નહી તો ઝઘડો થઈ જશે તેમ કહી પરિણીતાને ઢીકાપાટુનો માર માર્યો હતો.
દિયર લખન ભૂવાને લઈને ઘરે આવ્યો, જતાં-જતાં છૂટું કરવાનું કહ્યું બચાવ કરવા બાળકો વચ્ચે પડતા તેને પણ પતિએ પછાડી દીધા હતા. જે બાદ પતિ ઘર છોડી ચાલ્યો ગયો હતો. આ બનાવ બાદ પરિણીતા બાળકો સાથે પિતાના ઘરે રાજકોટ આવી ગઈ હતી. 3 જૂનના દીકરાની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં હતા, ત્યારે સાસુએ ફોન કરી ગોંડલ બોલાવી હતી. ગોંડલ ઘરે જતા દિયર લખન ભૂવાને તેડીને ઘરે આવ્યા હતા. ભૂવાએ જોવાનું કામ કર્યા બાદ દિયર તેને મૂકવા જતા હતા, ત્યારે બોલતો ગયો હતો કે, આવીને છૂટું દઈ દેવાય, આવી સાથે રહેવાય નહીં. ભૂવાના ગયા પછી સાસુએ પરિણીતાને રૂમમાં બંધ કરી કહ્યું હતું કે, તમે મારા દીકરાને છૂટું આપીશ કે હું છૂટું કરાવું? તેમ કહી પરિણીતાનો હાથ મરડી ફડાકા માર્યા હતા.