ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા, તેમની ચોક્કસ સમયસર માહિતી મેળવવા અને કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીના સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે ‘IN/OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવીન સિસ્ટમનો અમલ આજ 18 જુલાઈથી શરૂ કરવામાં આવ્યો. દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.
ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ સ્થળ પર જ વિનામૂલ્યે કરાવી શકાશે જે યાત્રિકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નહીં હોય અથવા જેમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેમની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેમની સુવિધા માટે સ્થળ પર જ વહીવટી તંત્ર અને વન વિભાગનો સ્ટાફ ફરજરત રહેશે. આ સ્ટાફની મદદથી આવા યાત્રિકોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર જ વિનામૂલ્યે અને સરળતાથી કરી આપવામાં આવશે.
જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારી ઘટનામાં ગિરનાર પર્વતની 50 પગથિયા સીડી પર એક બાળકનો સિંહે શિકાર કર્યો હતો. આ ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ સફાળું જાગ્યું છે અને એક્શન મોડમાં આવી ગયું છે.
આ નવી રજીસ્ટ્રેશન વ્યવસ્થા ગિરનાર પર્વત પર જનારા તમામ યાત્રાળુઓ માટે લાગુ પડશે, પછી ભલે તેઓ નવી સીડી, જૂની સીડી કે રોપવે મારફતે યાત્રા કરતા હોય. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે જ શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહકાર આપે. યાત્રાળુઓની સરળતા ખાતર રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને ખૂબ જ સહેલી બનાવવામાં આવી છે.
આ ઓનલાઈન પોર્ટલ અને સિસ્ટમનું નિર્માણ જિલ્લા NIC ટીમના ડીઆઈઓ ભુવનેશ્વર બુડગયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત પરામર્શથી કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ બંને માટે કટિબદ્ધ છે અને તેથી જ દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.