ઉપલેટામાં ટીબી ચેકઅપ કેમ્પ યોજાયો

ઉપલેટા શહેરની કોટેજ હોસ્પિટલ ખાતે ટીબી (ટ્યુબરક્યુલોસિસ) એટલે કે ક્ષય રોગના દર્દીઓ માટે એક વિશેષ તબીબી તપાસ અને સહાય વિતરણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટથી ડીટીઓ મહેતાએ ખાસ હાજરી આપી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ ટીબીના દર્દીઓને સઘન સારવારની સાથે પૂરતું શારીરિક પોષણ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો.

ઉપલેટા કોટેજ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ઇન્ચાર્જ ડો. ખ્યાતિ ગરેજાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ દ્વારા બોલાવવામાં આવેલા ટીબીના દર્દીઓનું વિશેષ ચેકઅપ કરવામાં આવ્યું હતું. દર્દીઓને ટીબીની ભારે દવાઓથી કોઈ આડઅસર થાય છે કે નહીં, તેઓ સમયસર નિયમિત દવા લે છે કે નહીં તેનું ધ્યાન રાખવા માટે બ્લડ ટેસ્ટ અને આંખની તપાસ જેવી સઘન ચકાસણી કરવામાં આવી હતી.

મોટાભાગના દર્દીઓ આર્થિક રીતે ગરીબ હોવાથી તેમને પૂરતો પોષણયુક્ત આહાર પોસાતો નથી, તેથી આ કાર્યક્રમ થકી તેમને પ્રોટીનયુક્ત આહારની કિટ (ન્યુટ્રિશનલ કિટ) આપવામાં આવી હતી જેથી તેમને રોગ સામે લડવાની તાકાત મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *