સિવિલ હોસ્પિટલમાં 5 બેડનો અલાયદો વોર્ડ ઉભો કરાયો

ગુજરાતમાં ધીમેધીમે ચાંદીપુરા વાયરસ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ બાળકોના આ વાયરસથી દુઃખદ મૃત્યુ નિપજ્યા છે. ત્યારે રાજ્ય સરકારે દરેક જિલ્લામાં એલર્ટ રહેવા અને અગમચેતીના પગલા ભરવા સૂચના આપી છે.

ત્યારે રાજકોટની સરકારી જનાના હોસ્પિટલમાં છઠ્ઠા માળે 5 બેડનો એક ખાસ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં ખાસ તબીબો અને નર્સિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.

સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાનાં જણાવ્યા મુજબ હાલ રાજકોટમાં ચાંદીપુરા વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ અગમચેતીના પગલા રૂપે જનાના હોસ્પિટલમાં 5 બેડનો ખાસ વોર્ડ શરૂ કરાયો છે. જેમાં 10 ડોક્ટર અને 20 નર્સિંગ સ્ટાફને ત્રણ શિફ્ટમાં ડ્યુટી સોંપવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ 14 વર્ષથી નાના બાળકોમાં થતો હોવાથી લોકોને બાળકો પ્રત્યે સાવચેતી રાખવાની અપીલ પણ તેમણે કરી છે. ઉલ્લેખનીય છે કે, ચાંદીપુરા વાયરસ માટે હાલ કોઈ ચોક્કસ એન્ટિવાયરલ દવા ઉપલબ્ધ નથી, જરૂર પડે તો ઓક્સિજન અને આંચકી આવે તો તેની દવા આપવામાં આવે છે. તેથી સતત તાવ, ઊલટી, આંચકી, બેભાન થવા જેવા લક્ષણો બાળકોમાં દેખાય તો તુરંત જ સારવાર લેવા સલાહ પણ તેમણે આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *