આજથી અષાઢ મહિનાની શરૂઆત થતાની સાથે મેઘરાજાના રાજકોટમાં અમી છાંટણા થયા છે. આજે(15 જુલાઈ) સવારે અચાનક ભારે પવન ફુંકાવાનું શરૂ થતા વરસાદી ઝાપટું વરસ્યું હતું. સામાન્ય વરસાદી ઝાપટામાં રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. અડધો કલાકમાં 6 મિમિ વરસાદ વરસ્યો હતો અને સિઝનનો કુલ વરસાદ 5 ઇંચ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ ભારે પવન ફૂંકાતા યુનિવર્સિટી રોડ પર એક મોટું વૃક્ષ ધરાશાયી થતા ત્રણ વાહન ફસાયા હતા અને નુકસાન પહોંચ્યું હતું. જો કે સદનસિબે કોઈ જાનહાનિ થઈ નથી.
રાજકોટ શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું છે. રાજકોટ શહેરમાં આજે સવારે 10:30 વાગ્યાથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર માધાપર ચોક, અયોધ્યા ચોક, શીતલપાર્ક ચોક, રામાપીર ચોક, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે અત્યારસુધી સિઝનનો કુલ 5 ઇંચ વરસાદ નોંધાયો છે જેમાં ઇસ્ટ ઝોનમાં 143 મિમિ, સેન્ટ્રલ ઝોનમાં 117 મિમિ અને વેસ્ટ ઝોનમાં 133 મિમિ વરસાદ નોંધાયો છે.