કંગના રનૌતે આનંદીબેન પટેલની વાતને સાચી ગણાવી

એક્ટ્રેસ અને સાંસદ કંગના રનૌતે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના તે નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં તેમણે મહિલાઓને રસોઈ શીખવાની સલાહ આપી હતી. આનંદીબેને કહ્યું હતું કે, ‘મહિલાઓ ભલે શિક્ષક બને કે IAS ઓફિસર, તેમને પોતાના પરિવાર માટે ભોજન બનાવતા આવડવું જોઈએ.’

આના પર કંગનાએ પોતાના બાળપણનું ઉદાહરણ આપતા કહ્યું કે, ‘ભોજન કરાવવું અને સંભાળ રાખવી એ મહિલાઓનો સાચો સ્વભાવ છે.’ રાજ્યપાલના આ નિવેદનનું સમર્થન કર્યા પછી કંગના રનૌતને સોશિયલ મીડિયા પર ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.

કંગના રનૌતે સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વિટર) પર તેની જૂની યાદો શેર કરી છે. તેણે લખ્યું કે, ‘જ્યારે અમે નાના હતા, ત્યારે મારો ભાઈ ફૂટબોલ અને ક્રિકેટ રમતો હતો. પણ હું ખૂબ ધ્યાનથી ઢીંગલીઓના ઘર બનાવતી હતી, તેમના કપડાં સીવતી હતી અને તેમના માટે ભોજન બનાવતી હતી. આ જોઈને ઘરના બધા લોકો ખુશ થતા હતા.’

‘મેં નાના-નાના માટીના ચૂલા પણ બનાવ્યા હતા અને એક માતાની જેમ ઢીંગલીઓની સંભાળ રાખતી હતી. આ કોઈ એવી વસ્તુ નથી, જેને આપણે અલગથી શીખવાની જરૂર પડે. ભગવાને આપણને માનવતાનું પાલન કરવાની જવાબદારી આપી છે, આ જ આપણો સાચો સ્વભાવ છે.’

મહિલાઓને શક્તિ અને અન્નપૂર્ણા ગણાવ્યા પોતાની પોસ્ટમાં કંગનાએ આગળ લખ્યું કે, ‘મહિલાઓના આ જ સ્વભાવને કારણે તેમને સમાજમાં દેવી, શક્તિ, અન્નપૂર્ણા અને માતા જેવા નામ આપવામાં આવ્યા છે. કોઈને પ્રેમ કરવો, ભોજન કરાવવું અને તેનું પાલન-પોષણ કરવું એક સુખદ અનુભવ છે.’ કંગનાએ આ સાથે જ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના કાનપુરમાં આપેલા ભાષણનો એક વીડિયો ક્લિપ પણ શેર કર્યો. આ વીડિયોમાં આનંદીબેન પટેલ એક કાર્યક્રમને સંબોધિત કરતા મહિલાઓને રસોઈ અને માતૃત્વની શીખ આપતા જોવા મળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *