ગોંડલમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું

ગોંડલમાં ગોંડલી નદી પરથી પસાર થતા પાંજરાપોળ નજીકના નવા બ્રિજની કામગીરીમાં નડતરરૂપ બનતા ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો પર નગરપાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર એ.જે. વ્યાસની કડક સૂચના બાદ સેનિટેશન ઇન્સ્પેક્ટર કેતનભાઈ મકવાણા અને તેમની ટીમ જેસીબીના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા બાંધકામોને તોડી પાડી જગ્યા ખુલ્લી કરાવી હતી.

બે મહિના અગાઉ દબાણકર્તાઓને નોટિસ ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આશરે બે મહિના અગાઉ જ આ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત અનેકવાર રૂબરૂ આવીને સમજાવવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવામાં આવ્યું ન હતું. આખરે નગરપાલિકાએ આકરો મૂડ ધારણ કરી જેસીબીની મદદથી તમામ મકાનો ધરાશાયી કરી દીધા છે.

પાંજરાપોળ પાસે R&B (માર્ગ અને મકાન વિભાગ) દ્વારા જે નવો બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે. તેમાં અડચણરૂપ બનતા કોમર્શિયલ અને નદીની અંદર આવેલા અન્ય પ્રકારના દબાણો આજે દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. R&B વિભાગ દ્વારા રોડની બંને સાઇડ જે એપ્રોચ રોડ બનાવવાનો છે તેના માટે આ કામગીરી અત્યંત જરૂરી હતી જેથી નગરપાલિકા દ્વારા આ કડક પગલાં લેવાયા છે. હાલ બ્રિજના આશરે 70 મીટરની ત્રિજ્યામાં આવતા કાચા અને પાકા મકાનોને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યા છે. એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ થયા બાદ અન્ય બાકી રહેતા દબાણોને પણ તબક્કાવાર દૂર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *