જસદણના ગઢાળામાં ઘોડીપાસાની હાઇપ્રોફાઇલ જુગાર ક્લબ પર દરોડો; ચાર ઝડપાયા, પાંચ ફરાર

જસદણના ગઢાળા ગામ પાસે ચાલી રહેલી એક હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની જુગાર ક્લબ પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી રેન્જ આઇજીની ટીમે મધરાતે સપાટો બોલાવ્યો હતો. દરોડાથી જુગારધામ પર નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે ચાર શખ્સને દબોચી લીધા હતા, જ્યારે ક્લબ સંચાલકો સહિત પાંચ શખ્સ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂ. 61,100, એક ઇકો કાર, ત્રણ બાઇક અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. 4,71,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગઢાળા ગામના ખંભાળા-ભડલી રોડ પર મોટા પાયે ઘોડીપાસાનો જુગાર ચાલી રહ્યો છે. બાતમીના આધારે ટીમે કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો અને ઘટનાસ્થળેથી જેતપુરના નવાગઢના રજાક જમાલ ખોરાણી, બાબરાના કરીયાણા ગામના સંજય વાઘજી વાઘેલા, ગઢડા (સ્વામીના) ના લીંબડીયાના મુકેશ હિપા સરેલીયા અને બાબરાના કરીયાણા રોડ પર રહેતા મનિષ નાનજી મારૂને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજી તરફ, દરોડા વખતે અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા ગઢાળાના સંજય સામત ગરાણીયા, બાબરાના સુરેશ મકવાણા, ગઢાળાના ભરત વાટુકીયા, તેમજ ખંભાળાના વલ્લભ કોળી અને બીજલ કોળી સામે ગુનો દાખલ કરી પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી.

સૌરાષ્ટ્ર ભરમાંથી ખેલીઓ ઊમટતાં પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, બાબરાનો સુરેશ મકવાણા અને ખંભાળાનો બીજલ કોળી બંને ભાગીદારીમાં આ ઘોડીપાસાની જુગાર ક્લબ ચલાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *