રાજકોટમાં વરસાદ ગાયબ થતાં જ આકરા તડકા અને બફારા સાથે મિશ્ર ઋતુની શરૂઆત થઈ છે, જેના કારણે રોગચાળો વકર્યો છે. અને લાંબા સમય બાદ સાપ્તાહિક કેસોનો આંકડો 2000ને વટાવીને 2133 પર પહોંચ્યો છે. આરોગ્ય વિભાગના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર, શહેરમાં શરદી-ઉધરસના 932, સામાન્ય તાવના 906 અને ઝાડા-ઉલ્ટીના 292 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ચિંતાજનક રીતે ટાઇફોઇડનો 1 અને કમળાના 2 કેસ પણ સામે આવ્યા છે. સામે પક્ષે, મનપાના આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને ડામવા માટે સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે.
પાણીજન્ય રોગો અટકાવવા માટે ગત સપ્તાહમાં શહેરમાં 2074 ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ મચ્છરજન્ય રોગચાળા પર કાબૂ મેળવવા માટે 34578 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 140 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. ચેકિંગ દરમિયાન રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં મચ્છરોની ઉત્પત્તિ જણાતા તંત્ર દ્વારા કુલ 376 આસામીઓને નોટિસ ફટકારી અને વહીવટી ચાર્જ વસૂલવાની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, કોઠારીયા રોડનું નવનિર્માણ થતા યુનિટ-1 (નોન એસી) અને યુનિટ-2 (એસી)નુ તેમજ અવંતિબાઈ લોધી ભવન કોમ્યુનિટી હોલ વિજય પ્લોટ ખાતે રીનોવેશન કામ પૂર્ણ થતા લોકોના સુખાકારી માટે આજથી કોમ્યુનિટી હોલનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ કોમ્યુનિટી હોલ લગ્ન પ્રસંગ માટે બુકિંગની તારીખથી વધુમાં વધુ 180 દિવસ અગાઉ કરી શકાશે. જયારે અન્ય તમામ પ્રસંગો-કાર્યક્રમો માટે બુકિંગની તારીખથી વધુમાં વધુ 90 દિવસ અગાઉ કરી શકાશે. કોમ્યુનિટી હોલનું બુકિંગ ઓન-લાઇન અથવા મનપાનાં એસ્ટેટ વિભાગ ખાતે રૂબરૂ આવીને નિયત નમુનાનાં ફોર્મની સંપુર્ણ વિગતો ભરીને કરી શકાશે.