‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી આજે 12 જુલાઈ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અહી તેમણે અયોધ્યા રામ મંદિરમાં થયેલી ચોરી મામલે શાસક પક્ષ ભાજપ અને ઉત્તરપ્રદેશ સરકારને આડે હાથ લીધા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરીએ ભાજપ પર આકરા પ્રહારો કરતા સવાલ ઉઠાવ્યો છે કે, જો પ્રધાનમંત્રી કાર્યાલયથી દેખરેખ થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે થઈ? તેમણે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે, ભાજપે 40 દિવસમાં 70 વાર રામમંદિરને લૂંટ્યું છે, જે મહંમદ ગઝનવી દ્વારા કરાયેલી લૂંટ કરતાં પણ વધુ છે. કોંગ્રેસના આ આક્ષેપોને પગલે અયોધ્યા રામમંદિર નિર્માણ અને તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે.

‘સુરક્ષાની જવાબદારી સોંપાઈ તે ચોકીદાર દ્વારા જ ચોરી’ રીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ રામ મંદિરના ભવ્ય નિર્માણ માટે પોતાની અતૂટ શ્રદ્ધા અને આસ્થા સાથે રૂ. 11થી લઈને લાખોનું દાન આપ્યું છે. પરંતુ સત્તા પર બેઠેલા લોકો આ જનતાના દાનને પોતાનું વ્યક્તિગત ખાનગી ધન સમજીને બેઠા છે અને મંદિરમાં બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. રામ મંદિરમાં ચોરી કરવા કોઈ બહારનો ચોર નથી આવ્યો, પરંતુ જેમને સુરક્ષાની જવાબદારી સોંપાઈ તે ચોકીદાર દ્વારા જ ચોરી કરવામાં આવી છે.

‘હદ વટાવી દીધી અને પ્રભુ શ્રી રામના મંદિરને જ લૂંટી લીધું’ રીતુ ચૌધરીએ મંદિરની સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનની ક્ષમતા સામે પણ પાયાના સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, રામ મંદિર જેવા સંવેદનશીલ અને પવિત્ર સ્થળ પર ચારેય તરફ સીસીટીવી કેમેરાની કડક સુરક્ષા ગોઠવવામાં આવી હોવાના દાવા કરવામાં આવે છે. જો સીસીટીવી કેમેરા ચાલુ હતા, તો પછી કોઈ પણ પ્રકારના સર્વેલન્સ કે પકડાયા વગર આટલી મોટી લૂંટ કઈ રીતે ચલાવવામાં આવી તે એક મોટો સવાલ ઊભો કરે છે. ઇતિહાસના પાના ઉથલાવીને એક સરખામણી કરતા તેમણે જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે મહંમદ ગઝનવીએ ભારત પર ચડાઈ કરીને સોમનાથ મંદિરને લૂંટયું હતું, પરંતુ તમે લોકોએ તો હદ વટાવી દીધી છે અને પ્રભુ શ્રી રામના મંદિરને જ લૂંટી લીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *