વલસાડ-ડાંગ લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલના નામે નકલી લેટરપેડ અને ફેક ઈ-મેલ આઈડી બનાવી સરકારી તેમજ નાણાકીય સંસ્થાઓને ગેરમાર્ગે દોરવાનો ચોંકાવનારો કિસ્સો વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઉજાગર કર્યો છે. પશ્ચિમ બંગાળના વતની પ્રતિક પ્રદુતકુમાર દે (ઉં.વ. 30)એ સાંસદના નામે બનાવટી ઈ-મેલ આઈડી બનાવી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ચેરમેનને ભલામણ પત્ર મોકલી છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ સાંસદ ધવલ પટેલના સત્તાવાર લેટરપેડની ડિઝાઇન, હોદ્દો અને નકલી સહીનો ઉપયોગ કરીને ખોટો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ તૈયાર કર્યો હતો. ત્યારબાદ officempvalsad2@gmail.com નામની ફેક ઈ-મેલ આઈડી પરથી SBIના ચેરમેન સી.એસ. શેટ્ટીને ભલામણ પત્ર મોકલી બેંકને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલાની જાણ થતાં સાંસદના પર્સનલ આસિસ્ટન્ટ રવીકુમાર સુરેશભાઈ પટેલે વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ટેકનિકલ તપાસથી અમદાવાદ સુધી પહોંચી પોલીસ ફરિયાદ બાદ રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિક, સુરત રેન્જ આઈજી પ્રેમવીર સિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમે ડિજિટલ ફૂટપ્રિન્ટ, સોશિયલ પ્રોફાઇલ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં ફેક ઈ-મેલ અમદાવાદના ઈશનપુર વિસ્તારમાંથી સંચાલિત થતું હોવાનું સામે આવતા પોલીસે મુરલીધર સોસાયટીમાં દરોડો પાડી આરોપીની ધરપકડ કરી હતી.