રાજકોટ જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચે અને ગ્રામીણ સ્તરે વહીવટી પ્રક્રિયા વધુ પારદર્શક બને તેવા હેતુ સાથે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે આંતરિયાળ ગામડાઓમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેમણે જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પોલારપર અને રણજિતગઢ ગામની ઓચિંતી મુલાકાત લઈને સ્થાનિક વિકાસ કામોની સમીક્ષા કરી હતી. જોકે આ દરમિયાન ઉનાળામાં પીવાના પાણીની તકલીફની સાથે આંતરિક રસ્તાઓ ખરાબ હોવાની સમસ્યા સામે આવી હતી.
અધિકારીઓને તાકીદે યોગ્ય પગલાં લેવા આદેશ કલેકટર ડો. ઓમપ્રકાશ સૌપ્રથમ પોલારપર ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ બાળકોના શિક્ષણનું સ્તર અને પૌષ્ટિક આહારના વિતરણની વ્યવસ્થા ચકાસી હતી. ગ્રામજનો દ્વારા ઉનાળા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પડતી પાણીની તકલીફ અંગે રજૂઆત કરવામાં આવતા કલેકટરે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તાકીદે યોગ્ય પગલાં લેવા આદેશ આપ્યા હતા.
આ ઉપરાંત પોલારપર ગામને જોડતા મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ ખરાબ હોવાની સમસ્યાની રજૂઆત કલેકટર સમક્ષ આવી હતી અને તેને પગલે આ રસ્તાના રીપેરિંગ કામને વહેલી તકે મંજૂરી આપવાની ખાતરી આપી હતી. કલેકટર દ્વારા આ બંન્ને ગામોમાં ગ્રામપંચાયતના દફતર ચકાસણી કરી હતી. જેથી સ્થાનિક કક્ષાએ કોઈ સમસ્યા હોય તો સીધા કલેક્ટર તેને જાણી શકે અને તેનાથી તે સમસ્યા તાત્કાલિક દૂર થઈ શકે.