અધિકારીઓએ દિવાલ હટાવી દીધી હોત તો મારો લાડકવાયો જીવતો હોત

મહેસાણા શહેરમાંથી એક અત્યંત દુઃખદ અને કાળજું કંપાવી દે એવી ઘટના સામે આવી છે. શહેરમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પટ્ટાવાળાની ચાલી વિસ્તાર પાસે આવેલી કબ્રસ્તાનની પાછળની એક વર્ષો જૂની અને જર્જરિત દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં દીવાલના વજનદાર કાટમાળ નીચે દબાઈ જવાથી ૬ વર્ષના એક માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સદનસીબે આસપાસ રમતા અન્ય બાળકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે લોકરોષ ફાટી નીકળ્યો છે.

બાળકો વરસાદમાં ન્હાઈ રહ્યા હતા ને પત્તાના મહેલની જેમ તૂટી પડી દીવાલ મળતી વિગતો મુજબ, મહેસાણામાં થઈ રહેલા વરસાદ દરમિયાન આ વિસ્તારમાં અંદાજે છથી પંદર જેટલા બાળકો ભેગા થઈને વરસાદમાં ન્હાઈ રહ્યા હતા અને રમી રહ્યા હતા. આ દરમિયાન રુદ્ર દેવીપૂજક નામનો 6 વર્ષનો માસૂમ બાળક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે ભારે વરસાદના કારણે નબળી પડી ગયેલી કબ્રસ્તાનની પાછળની જર્જરિત દીવાલ અચાનક ધડાકાભેર તૂટી પડી હતી.

દીવાલનો મોટો હિસ્સો સીધો જ માસૂમ રુદ્ર પર પડતાં તે કાટમાળ નીચે સંપૂર્ણપણે દબાઈ ગયો હતો. દીવાલ પડવાનો જોરદાર અવાજ આવતા જ આસપાસ રમતા અન્ય બાળકોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને તેઓ દૂર ભાગી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. અવાજ સાંભળીને ઘટનાસ્થળે દોડી આવેલા સ્થાનિક લોકોએ તાત્કાલિક ભારે જહેમત ઉઠાવી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ કમનસીબે રુદ્રને કાટમાળમાંથી બહાર કઢાયો ત્યાં સુધીમાં તેનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *