વડોદરામાં વધુ એક ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી છે. ગઇકાલે(2 જુલાઈ) મોડી રાત્રે 1 વાગ્યે શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં પ્રિયા થિયેટર નજીક આવેલા આરના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201 અને 301 પર અજાણ્યા શખસે ફાયરિંગ કર્યું હતું. પરિવાર સૂતો હતો ત્યારે આ ઘટના બની હતી. જેને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બંને મકાનમાંથી કારતૂસ મળી આવ્યા છે. ગોળી બાલ્કનીમાંથી મચ્છર જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી અને છેક ડ્રોઇંગ રૂમમાં કારતૂસ મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સાથે એલસીબીની ટીમ સ્થળ પર પહોંચી હતી સાથે જ FSLની પણ મદદ લેવાઈ હતી. પોલીસે સ્થળનું નિરીક્ષણ કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી ફાયરિંગ કોણે અને કયા કારણોસર કર્યું તે અંગે તપાસ ચાલુ કરી હતી.