ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા જળસંચય માટે એક નવી પહેલ શરૂ કરાઈ છે. યાર્ડ પરિસરમાં 100થી વધુ રિચાર્જ બોર બનાવવાની કામગીરીનો પ્રારંભ થયો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસાના વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવાનો છે. ગોંડલ યાર્ડ રાજ્યનું આવું પ્રથમ યાર્ડ બન્યું છે.
આ ભૂગર્ભ જળ સંવર્ધન કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્યના પ્રતિનિધિ ગણેશભાઈ, ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં યાર્ડના હોદ્દેદારો, ડિરેક્ટરો, સ્થાનિક વેપારીઓ, ખેડૂતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ યોજના વિશે માહિતી આપતા જણાવ્યું કે, ચોમાસા દરમિયાન યાર્ડના વિશાળ પરિસરમાં લાખો લીટર વરસાદી પાણી એકત્રિત થાય છે. આ પાણીનો યોગ્ય ઉપયોગ થાય અને બગાડ અટકે તે માટે 100થી વધુ રિચાર્જ બોર બનાવવામાં આવી રહ્યા છે. આ બોર દ્વારા વરસાદી પાણી સીધું જ જમીનમાં ઉતરશે, જેનાથી આસપાસના વિસ્તારના કૂવા અને બોરના તળ ઊંચા આવશે.