ધોરાજીમાં ભારે વરસાદ, જેતપુર રોડ જળબંબાકાર

ધોરાજી શહેરમાં ભારે વરસાદને કારણે જેતપુર રોડ જળબંબાકાર બન્યો હતો. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વાહનચાલકો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પાણી ભરાવાને કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં હાલાકી પડી હતી. અનેક વાહનો ધીમી ગતિએ પસાર થયા હતા, જેના લીધે કેટલાક સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. આસપાસના વેપારીઓને પણ વેપાર-ધંધામાં અસર થઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જેતપુર રોડ પર પાણી ભરાવાની આ સમસ્યા લાંબા સમયથી પ્રવર્તી રહી છે. તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવા છતાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.

દર વર્ષે વરસાદમાં જેતપુર રોડ પર નદી જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. લોકોએ તાત્કાલિક ધોરણે વરસાદી પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *