ડિંડોલીમાં કારચાલકે એકસાથે 5 વાહનોને અડફેટે લીધા

સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જ્યાં એક બેકાબૂ કારચાલકે રસ્તા પર કાળ બનીને એકસાથે પાંચ જેટલા વાહનો અને લારીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં લોકોના રૂંવાડા ઊભા થઈ ગયા છે.

અકસ્માત પાછળનું કારણ તપાસતા સામે આવ્યું છે કે, કારચાલક 38 વર્ષીય પ્રશાંત પ્રકાશ આરેગીરી વ્યવસાયે ડ્રાઈવર છે, પરંતુ દર વર્ષે વરસાદની સીઝન આવતા જ તેના ડાબા પગમાં પેરાલિસિસ (લકવા)ની અસર શરૂ થઈ જાય છે. અકસ્માત સમયે તે કાર ચલાવી રહ્યો હતો, ત્યારે અચાનક તેના પગમાં આ અસર થતા તે બ્રેક કે ક્લચ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

લારી અને બાઇક સવારોને હવામાં ઉડાવ્યા હેલ્મેટ પહેર્યું હોવાથી યુવકનો આબાદ બચાવ સામે આવેલા અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બેકાબૂ બનેલી સ્પીડમાં આવતી કાર સૌથી પહેલા રસ્તા કિનારે ઉભેલી એક લારીને જોરદાર ટક્કર મારે છે. લારીને ફંગોળ્યા બાદ કાર આગળ જઈ રહેલા બાઇક ચાલકોને પાછળથી જોરદાર ટક્કર મારી હવામાં ઉડાવે છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઇક ચાલકો રસ્તા પર ફસડાઈ પડે છે. સદનસીબે જે યુવક બાઇક ચલાવી રહ્યો હતો તેણે હેલ્મેટ પહેરેલું હતું, જેના કારણે માથાના ભાગે ગંભીર ઈજા ન થઈ અને તેનો જીવ બચી ગયો. ટક્કર વાગ્યા બાદ યુવક સેકન્ડોના ડિફરન્સથી કારના વ્હીલ (ટાયર) નીચે આવતા આબાદ બચાવ્યો હતો. અકસ્માત થતાં જ રસ્તા પર અફરાતફરી મચી ગઈ હતી અને લોકો દોડતા થઈ ગયા હતા.

આ સમગ્ર ઘટના પાછળ એક અત્યંત ચોંકાવનારો સંયોગ પણ સામે આવ્યો છે. આજથી બાર દિવસ પહેલા ડિંડોલી વિસ્તારમાં જ અન્ય એક કારચાલકની લાપરવાહીના કારણે એક ચાર વર્ષની માસુમ બાળકી કાર નીચે કચડાઈ ગઈ હતી અને તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ હતો. આશ્ચર્યની વાત એ છે કે, આજે જે કારચાલકે અકસ્માત કર્યો છે, તે આ જ મૃતક માસુમ બાળકીના મોતના ‘બારમા’ની વિધિ (ઉત્તરાક્રિયા)માં હાજરી આપવા માટે જઈ રહ્યો હતો. બાળકીના શોક સંતપ્ત પરિવારને મળવા જતા પહેલા જ ડ્રાઈવર પ્રશાંતના પગે દગો દીધો અને તેણે રસ્તા પર અન્ય નિર્દોષ લોકોને કચડી નાખ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *