ભારત અને જાપાને આર્થિક ભાગીદારીને નવી ગતિ આપવાનો નિર્ણય કર્યો છે. ભારત-જાપાન જોઈન્ટ ઈકોનોમિક ફોરમમાં વડાપ્રધાન મોદીએ જાપાની કંપનીઓની મુશ્કેલીઓ દૂર કરવા માટે ‘જાપાન બિઝનેસ વીક’ શરૂ કરવાની જાહેરાત કરી. આ અંતર્ગત PMOના વરિષ્ઠ અધિકારીઓ સીધા જાપાની રોકાણકારો સાથે વાતચીત કરશે.
મોદીએ કહ્યું કે આજે દુનિયામાં વેચાતી સુઝુકીની બે તૃતીયાંશ કારો ભારતમાં બની રહી છે અને તેને 100થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે જાપાનના સહયોગથી દેશમાં લગભગ 1000 ખાતર (ફર્ટિલાઇઝર) કારખાના સ્થાપિત કરવામાં આવશે.
બંને દેશોએ આગામી 10 વર્ષમાં ભારતમાં 10 ટ્રિલિયન યેનના જાપાની રોકાણનું લક્ષ્ય પણ રાખ્યું છે. પીએમ મોદી અને જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચીએ હરિયાણાના ખરખોડામાં મારુતિ સુઝુકીના ચોથા વાહન નિર્માણ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ સાને તાકાઈચીને પોતાની ‘નાની બહેન’ કહીને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે ભારત અને જાપાનની ટેકનોલોજી, રોકાણ અને ઉત્પાદન ક્ષમતાનું મિશ્રણ બંને દેશો તેમજ સમગ્ર વિશ્વ માટે પણ ફાયદાકારક સાબિત થશે.