મેટ્રિમોનિયલ સાઈટ પર ‘જિજ્ઞાસા કપૂર’ની નકલી પ્રોફાઈલ બનાવી સાયબર ફ્રોડ

મેટ્રિમોનિયલ સાઈટ પર જિજ્ઞાસા કપૂર નામની નકલી પ્રોફાઈલ બનાવી સુરતના એક યુવક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. નકલી પ્રોફાઈલના માધ્યમથી યુવક સાથે મિત્રતા કેળવી ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા ફ્રોડના તાર ગુજરાતથી નેપાળ સુધી ખૂલ્યા છે. પોલીસે રૂ. 2.30 કરોડના સાયબર ફ્રોડ મામલે પોલીસે એક ડોકટર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે બેંક ખાતામાં કૌભાંડના નાણાં ટ્રાન્સફર થયા છે તે બેંક ખાતાનો 31 સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગ થયાનું ખૂલ્યું છે. જેમાં કૂલ 15 કરોડની હેરાફેરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ મેટ્રિમોનિયલ સાઇટ પર ‘જિગ્યાસા કપૂર’ નામની નકલી પ્રોફાઇલ બનાવી હતી. ત્યારબાદ ‘Dilsafar’ એપ મારફતે ભોગ બનનારનો સંપર્ક કરી ફોરેક્સ ટ્રેડિંગમાં શરૂઆતમાં રૂ.50 હજારનું રોકાણ કરાવ્યું હતું. તેમાં નફો બતાવી ભોગ બનનારનો વિશ્વાસ જીત્યા બાદ RoboForex પ્લેટફોર્મમાં વધુ રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.2.30 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં એકાઉન્ટ લોક થઈ ગયું હોવાનું કહી વધુ નાણાં જમા કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભોગ બનનારને છેતરપિંડીની શંકા જતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *