ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાએ ક્રેડ (CRED) એપના ફાઉન્ડર કુણાલ શાહને વોટ્સએપના નવા ગ્લોબલ હેડ બનાવ્યા છે. તેઓ વિલ કેથકાર્ટની જગ્યા લેશે, જેઓ 7 વર્ષથી વોટ્સએપની કમાન સંભાળી રહ્યા હતા. કેથકાર્ટ હવે મેટામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધિત નવા પ્રોજેક્ટ્સ પર કામ કરશે.
સોમવારે આ માહિતી મેટા CEO માર્ક ઝુકરબર્ગે પોસ્ટ કરીને આપી છે. તેમણે જણાવ્યું કે કંપનીએ આ નિર્ણય તે ડીલ હેઠળ લીધો છે, જેમાં મેટા UPI અને બિલ પેમેન્ટ એપ ક્રેડમાં લગભગ 8,550 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેના બદલામાં મેટાને ક્રેડમાં 20% હિસ્સેદારી મળશે. આ પછી ક્રેડ કંપનીનું કુલ વેલ્યુએશન વધીને ₹43,239 કરોડ થઈ જશે.
વોટ્સએપના ગ્લોબલ હેડની કમાન સંભાળવા માટે કુણાલ શાહ ક્રેડ CEOના પોતાના હાલના ઓપરેટિંગ પદ પરથી રાજીનામું આપશે. ત્યારબાદ તેઓ મેટાનો ભાગ બનશે. ક્રેડે હાલમાં મિતેન સંપતને કંપનીના વચગાળાના CEO બનાવ્યા છે.
મિતેન સંપત વર્ષ 2020 થી ક્રેડમાં સ્ટ્રેટેજી અને ફાઇનાન્સ વિભાગની કમાન સંભાળી રહ્યા હતા. ક્રેડના બોર્ડ અને મેનેજમેન્ટે જણાવ્યું કે તેઓ કંપની માટે એક લાંબા ગાળાનું મેનેજમેન્ટ સ્ટ્રક્ચર તૈયાર કરવા પર કામ કરી રહ્યા છે, કારણ કે કંપની આગામી સમયમાં પોતાની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે IPO લાવવાની યોજના બનાવી રહી છે.