રાજકોટના કુવાડવામાં શુક્રવારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી જંગલેશ્વરના લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધીનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યાના બે દિવસમાં જ શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.આઇ. વી. આર. વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. SMCના દરોડા બાદ પોલીસ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, SMCએ ચોક્કસ બાતમીના આધારે કુવાડવા રોડ પર RK9 ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી 70.38 લાખની કિંમતનો 217 પેટી વિદેશી દારૂ તેમજ ટ્રક મળી કુલ 1 કરોડથી વધુનો મુદામાલ કબ્જે કરી એક આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી જેમાં પોલીસ તપાસમાં વિદેશી દારૂ મંગાવનાર જંગલેશ્વર વિસ્તારનો નામચીન લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સંધિ હોવાનું સામે આવતા ફિરોઝ ઉપરાંત સ્થળ પરથી મળી આવેલ ક્રેટા કાર નંબર જીજે.01.આરએન. 6440ના માલિક સુલતાન સંધી, ટ્રક ચાલક, બોલેરો ચાલક અને દારૂ મોકલનાર સહીત ફરાર 6 લોકો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.