NEET-UGનું પેપર લીક થયા બાદ રદ કરાયેલી પરીક્ષા આજે ફરી યોજાઈ હતી. ગુજરાતમાં 211 પરીક્ષા કેન્દ્રો પર 79,411 ઉમેદવારો પરીક્ષા યોજાઈ હતી. પેપર લીક થયા બાદ ફરીવાર પરીક્ષા યોજાઈ હોવાથી તંત્રની પણ અગ્નિ પરીક્ષા થઈ હતી. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના પરીક્ષા કેન્દ્રો પર બપોરે 2 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી. આ માટે વિદ્યાર્થીઓને 11 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પ્રવેશ અપાયો હતો. ત્યારે સાંજે 5.30 વાગ્યે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ હતી. જ્યારે એજ્યુકેશન એક્સપર્ટે કહ્યું- કટઓફ 520એ જઈ શકે છે.
આ દરમિયાન અમદાવાદની આર. જે ટીબરેવાલ કોલેજમાં હિજાબ સાથે પ્રવેશ આપવાના મુદ્દે વાલીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જ્યાં તેમનો આક્ષેપ છે કે નિયમોના નામે અગાઉ હિન્દુ બાળકોના હાથના દોરા અને ગળાની કંઠી કઢાવવામાં આવી હતી. તો સુરતમાં 2 મિનિટ મોડા પડનારને પ્રવેશ અપાયો નહોતો અને વડોદરામાં 100 કિમી દૂરથી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી પાસે એલસી માગતા દોડતા થયો હતો.
રાજકોટની મોદી સ્કૂલના સાયન્સ એક્સપર્ટ અને એકેડેમિક ડિરેક્ટર અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, આજે UG NEETની પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું તે વર્ષ 2025 ની તુલનામાં પણ અઘરું હતું. વર્ષ 2025 માં માત્ર ફિઝિક્સનું પેપર અઘરું હતું. જોકે આ વખતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંને પેપરો અઘરા હતા. બંને પેપરો મોડરેટથી અઘરા કહી શકાય. જ્યારે બાયોલોજીનું પેપર સરળ હતું. 3 મેના લેવામાં આવેલી પરીક્ષાની તુલનામાં આજનું પેપર અઘરું હતું. 3 મેની પરીક્ષાને જોતા કટઓફ 720 માંથી 620 હોવાની ધારણા હતી.