આજકાલ પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણના સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થવાના અનેક બનાવો સામે આવે છે. ત્યારે આજે 19 જૂન વડોદરા શહેરના સમા કેનાલ પાસે વાહનચાલક અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં હાજર PSI દ્વારા વાહનચાલકને થપ્પડ મારવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ સમગ્ર મામલો હાલમાં સમા પોલીસ મથકમાં પહોંચ્યો છે.
આ અંગે દિવ્ય ભાસ્કરે ટ્રાફિક એસીપી જેઆઈ વસાવાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આ મામલે મને જાણ થઈ છે. હાલમાં હું મિંટિંગમાં છું, બાદમાં તપાસ કરી જણાવીશ.
આ ઘટના બાદ વડોદરા શહેર પોલીસ કમિશનરે પીએસઆઈ કે.એમ. માલીવાડની તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાંથી પોલીસ કંટ્રોલ રૂમ ખાતે લીવ રિઝર્વમાં બદલીના આદેશ કરવાના આવ્યા છે. સાથે આ મામલે ઘટના અંગે તલસ્પર્શી તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ગાડી ડિટેઇન કરવાની વાત કરવામાં આવતા મામલો ગરમાયો વડોદરાના સમા પોલીસ મથક હદ વિસ્તારમાં સમા કેનાલ પાસે એક વાહન ચાલક પોતાનું વાહન લઈને પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન ટ્રાફિક પોલીસ દ્વારા ઓવરલોડ હોવાથી તેને રોકવામાં આવે છે. બાદમાં ચલણ કર્યા પછી તેની ગાડી ડિટેઇન કરવાની વાત કરવામાં આવતા મામલો ગરમાય છે અને ઉગ્ર બોલાચાલી થાય છે. બાદમાં અમને સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવામાં આવે છે.