આપણે બધા જ પ્રવાસ કરવાનું ખૂબ પસંદ કરીએ છીએ, પરંતુ જ્યારે પ્રવાસની ઝીણવટભરી બાબતો જેવી કે આખું આયોજન કરવું, બુકિંગ કરવું અને સૌથી મહત્ત્વનું એટલે કે સામાન પેક કરવો. ત્યારે આપણામાંથી ઘણા લોકો તેને સ્માર્ટલી કે ઝડપથી કરી શકતા નથી.
મુસાફરી માટે પેકિંગ કરવું એ માત્ર એક સામાન્ય કામ નથી, પરંતુ શું સાથે લેવું અને શું ઘરે મૂકીને જવું તે નક્કી કરવું વધુ તણાવપૂર્ણ હોય છે. પરંતુ સચિન તેંડુલકર માટે આ એક એવું કામ છે જેને તેઓ સૌથી વધુ માણે છે. તાજેતરમાં જ એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સચિન તેંડુલકરે તેમની લગેજ પેક કરવાની અદ્ભુત કળા દર્શાવી છે, જેમાંથી આપણા બધાને ઘણું શીખવા મળી શકે છે.
વીડિયોમાં સચિને શું કહ્યું?
સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો. તે વીડિયો મુજબ, સચિનને હંમેશા વ્યવસ્થિત રીતે પેકિંગ કરવાનો ખૂબ જ આનંદ આવે છે. તેમની આ આદત કંઈ અત્યારની નથી, પરંતુ શાળાના દિવસોથી જ તેમની સાથે છે.
વીડિયોમાં તેઓ કહે છે, “પેકિંગ એક એવી વસ્તુ છે જેનો મેં હંમેશા આનંદ માણ્યો છે, પરંતુ તે વ્યવસ્થિત પેકિંગ હોવું જોઈએ. જો મારે તમને કંઈક બતાવવું હોય, તો હું હંમેશા મારે જે પણ પેક કરવાનું હોય તે બધું જ એક કાગળ પર લખી રાખું છું. આ વસ્તુ મારા શાળાના દિવસોથી જ ચાલતી આવે છે.”