રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઉનાળાની સિઝન અને ભૌગોલિક વિસ્તારના વિસ્તરણને પગલે પાણીની માગમાં વ્યાપક વધારો નોંધાયો છે. નલ સે જલ’નાં દાવા વચ્ચે શહેરના જે વિસ્તારોમાં હજુ સુધી પાઇપલાઇનની સુવિધા ઉપલબ્ધ નથી, તેવા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટેન્કર અને ટ્રેક્ટર મારફતે પાણી પહોંચાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ અંતર્ગત રાજકોટના ત્રણેય ઝોનમાં 5000 લીટરથી લઈને 20,000 લીટરની ક્ષમતા ધરાવતા ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા પાણી વિતરણ કરવા માટે રૂ. 11,50,02,679ના જંગી ખર્ચને મંજૂરી આપવા માટેની એક મહત્વની દરખાસ્ત આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. આવતીકાલે આયોજિત આ બેઠકમાં આ જળ વિતરણની દરખાસ્ત સહિત કુલ 13 જુદા-જુદા વિષયો પર ચર્ચા-વિચારણા કરીને આખરી નિર્ણય લેવામાં આવશે.
ત્રણેય ઝોન માટે ટેન્ડર પ્રક્રિયા અને વાટાઘાટોની સ્થિતિ મહાપાલિકા દ્વારા પાઇપલાઇન વિહોણા વિસ્તારોમાં જળ સંકટ નિવારવા માટે અગાઉથી જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રારંભિક તબક્કે વહીવટી વિભાગ દ્વારા ઇસ્ટ ઝોન માટે અંદાજિત રૂ. 3,03,70,547, સેન્ટ્રલ ઝોન માટે રૂ. 98,61,192 અને વેસ્ટ ઝોન માટે રૂ. 1,26,55,201નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આ ટેન્ડર પ્રક્રિયામાં કુલ બે એજન્સીઓ ત્રણેય ઝોન માટે લાયક (ક્વોલિફાઇડ) ઠરી હતી.