જસદણ શહેરમાં છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર વહેતા થયેલા એક રીલ અને વીડિયોના આધારે જસદણ પોલીસે ફિલ્મી સ્ટાઈલે સ્ટંટ કરનારા તત્વો સામે મોટી કાર્યવાહી કરી હતી. હાઈવે પર બાઈક પર આડા સૂઈને મોતના સ્ટંટ કરતા 5 નાબાલિગ યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જો કે , આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પકડાયેલા તમામ યુવકો સગીર હોવાનું સામે આવતા પોલીસે તેમના વાલીઓ સામે ગુનો દાખલ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.
મળતી માહિતી મુજબ, જસદણ-આટકોટ હાઈવે પરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો હતો. આ વીડિયોમાં ત્રણ યુવક બાઈકની સીટ પર આડા સૂઈને, સુપરમેનની જેમ પૂરપાટ ઝડપે બાઈક દોડાવી રહ્યા હતા. જાહેર માર્ગ પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકતો આ વીડિયો સામે આવતાં જ જસદણ પોલીસ હરકતમાં આવી હતી અને વીડિયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
જસદણ પોલીસે સોશિયલ મીડિયાના વીડિયો અને બાઈકના નંબરના આધારે સ્ટંટ કરનારા 5 સગીર યુવકોને શોધી કાઢી તેમની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા તમામ યુવકો કાયદાકીય રીતે નાબાલિગ હોવાનું ખુલ્યું હતું.
લાયસન્સ છે કે નહીં તેની ખરાઇ કર્યા બાદ અલગથી ગુનો નોંધાશે: પોલીસ સામાન્ય રીતે આવા કિસ્સામાં માત્ર વાહન ચલાવનાર સામે કાર્યવાહી થતી હોય છે, પરંતુ જસદણ પોલીસે આ વખતે કડક વલણ અપનાવ્યું હતું. સગીર વયના સંતાનોને મોટરસાયકલ આપી દેનારા વાલીઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીના પગલે લુખ્ખા તત્વો અને પોતાના સગીર સંતાનોને વાહનો આપી દેતા બેજવાબદાર વાલીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જાહેર રોડ પર સ્ટંટબાજી કરીને લોકોનો જીવ જોખમમાં મૂકનાર કોઈપણ શખ્સને બક્ષવામાં આવશે નહીં.બીજી તરફ આ તમામ સગીરની ઉંમરની ચકાસણી કરી તેમની પાસે ડ્ાઇવિંગ લાયસન્સ છે કે નહીં તેની ખરાઇ કરવા પણ તજવીજ શરૂ કરી છે અને જો લાયસન્સ નહીં હોય તો વાલીઓ સામે પણ અલગથી ગુનો નોંધાશે તેમ જાણવા મળ્યું છે.