રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના જસાપર ગામમાંથી ઘરેણાં ચમકાવવાના બહાને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જસાપર ગામમાં એક વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાના બુટિયા સેરવી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી. આ દરમિયાન એલ.સી.બી.એ બિહાર રાજ્યના બે શખ્સોને ખજુરડા ગામના પાટિયા નજીકથી પકડી પાડ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી સોનાની બુટ્ટી, એક મોટરસાયકલ, મોબાઈલ ફોન અને ઘરેણાં સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ સહિત કુલ રૂ. 75,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓએ ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.વધુ કાયદેસરની કાર્યવાહી માટે બંને આરોપીઓને જામકંડોરણા પોલીસને સોંપવામાં આવ્યા છે.
પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આરોપીઓની અન્ય ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.આ સાથે પોલીસ વિભાગે લોકોને અપીલ કરી છે કે, સોના-ચાંદીના ઘરેણાં સાફ કરવા અથવા ચમકાવવાના બહાને આવતા અજાણ્યા શખ્સો પર વિશ્વાસ ન રાખે. કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પણ જણાવાયું છે