ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમી અને અસહ્ય અકળામણનું જોર યથાવત્ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. રાજ્યના મહત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો જોવા થયો છે. છેલ્લા સાત દિવસથી રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગના આંકડા અનુસાર, બુધવારે અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 42.8°C નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +3.1°C જેટલું ઊંચું છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં 35.4°C તાપમાન નોંધાવાની સાથે 0.4 mm જેટલો સામાન્ય વરસાદ પણ નોંધાયો હતો.
આજે 22 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ છે. તેમાં રાજસ્થાન, એમપી, યુપી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ગોવા શામેલ છે. જ્યારે ગુજરાત સિવાયના અન્ય તમામ રાજ્યોમાં વરસાદનું યલો એલર્ટ છે.
હાલમાં ચોમાસું 7 દિવસથી એક જ જગ્યાએ અટક્યું છે. યુપીમાં વાવાઝોડાના કારણે 3ના મોત થયા છે. બિહારમાં વાવાઝોડું-વરસાદના કારણે દિવસ દરમિયાન અંધારું છવાયું છે.