જસદણ તાલુકાના એક ગામમાંથી સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જવાના બનાવમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી માત્ર 24 કલાકમાં ભેદ ઉકેલી સગીરાને સુરક્ષિત છોડાવી આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે અપહરણ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પરિવારજનોએ સગીરાના અપહરણ અંગે જસદણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. રાજકોટ રૂરલ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસે બાબરા તાલુકાના ખંભાળા ગામે દરોડો પાડી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી. સાથે જ ખંભાળા ગામના અશોક વિઠ્ઠલભાઈ જીંજરિયા ની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી છેલ્લા ત્રણ મહિનાથી સગીરાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી સામે અપહરણ, પોક્સો તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સગીરાના અપહરણની ફરિયાદ મળતાં રાજકોટ રૂરલ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીદારોની મદદથી આરોપી સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી.