ગોંડલમાં હનીટ્રેપ અને ખંડણીનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. રાજકોટના મોરબી રોડ પર રહેતા 40 વર્ષીય ખેડૂતને પ્રેમજાળમાં ફસાવી, ગોંધી રાખીને તેમની કાર અને રોકડ પડાવી લેવામાં આવી હોવાની ફરિયાદ ગોંડલ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે.
આ ગુનાહિત કાવતરામાં દશરથ જેન્તીભાઈ સરવૈયા, સંગીતા નામની યુવતી, ઇમરાન મેમુદશાહ શાહમદાર અને ઇમરાનની માતા સહિત કુલ ચાર આરોપીઓ સામેલ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદીના પરિચિત આરોપી દશરથે ભોગ બનનાર ખેડૂતના જ ફોનમાંથી સંગીતા નામની યુવતીનો સંપર્ક કરાવ્યો હતો. સંગીતાએ પ્રેમજાળમાં ફસાવીને ખેડૂતને 8 જૂન, 2026ના રોજ ગોંડલના વોરા કોટડા રોડ પર આવેલા એક મકાનમાં બોલાવ્યા હતા.
રૂમમાં અચાનક ઇમરાન અને તેની માતા ઘૂસી આવ્યા હતા. ઇમરાને આ ખેડૂતને છરી બતાવી, લાફો મારી અને ધમકી આપી હતી કે “મેં નવ મર્ડર કરેલ છે અને દશમું તારું થાશે”. આરોપીઓએ બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ડરાવી-ધમકાવીને ફરિયાદી પાસેથી બળજબરીથી 4,000 રૂપિયા રોકડા પડાવી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને રૂમમાં ગોંધી રાખીને 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પૈસા ન હોવાથી 5 લાખના અવેજમાં ફરિયાદીની 4 લાખ રૂપિયાની કિંમતની ક્રેટા ગાડી (રજી. નં. GJ-09-BD-1834) પડાવી લીધી હતી.
તમામ ચારેય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદીનું તેની જ ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું હતું. તેઓ ભોગ બનનાર ખેડૂતને ગોંડલમાં કોઈ વકીલની ઓફિસે લઈ ગયા હતા અને બળજબરીથી લખાણ પર સહીઓ કરાવી લીધી હતી.