રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જય બજરંગ ઇન્ડસ્ટ્રી નામે ઓટો પાર્ટ્સનું કારખાનું ચલાવતા કલ્પેશ હીરપરાએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોતાના ગામ લીલી સાજડીયાળી ખાતે માતાજીના માંડવાના ખર્ચ માટે મિત્ર રાજેશ કોટડીયા પાસેથી રૂ.1.50 લાખ હાથ ઉછીના લીધા હતા. જેની સામે આરોપીઓએ કટકે-કટકે રૂ.20.73 લાખ પડાવી લીધા બાદ પણ વધુ રૂ.16 લાખની માંગણી કરી ધમકી આપી હતી. આજીડેમ પોલીસે રાજેશ કોટડીયા, મનોજસિંહ ગોહિલ અને દર્પણ પાનસુરીયા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વ્યાજની જાળ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન 21 એપ્રિલ, 2025ના રોજ પૈસા આપ્યા બાદ, રાજેશે બીજા જ દિવસે રૂપિયા પરત માંગી વ્યાજે અપાવી દેવાનું બહાનું કાઢ્યું હતું. તેણે દર અઠવાડિયે રૂ.10,000 વ્યાજ નક્કી કર્યું હતું. ફરિયાદીએ 22 એપ્રિલ, 2025થી 17 એપ્રિલ 2026 સુધીમાં રાજેશ, તેની પત્ની ચાંદનીબેન અને માતાના ખાતામાં ગુગલ પે (Google Pay) દ્વારા રૂ.12,73,600 ઓનલાઈન ચૂકવ્યા હતા, જ્યારે રૂ.8 લાખ રોકડા ચૂકવ્યા હતા. આમ, કુલ રૂ.20,73,600 વ્યાજ પેટે વસૂલવામાં આવ્યા હતા.
કોરા ચેક મેળવીને ઉઘરાણીનું નેટવર્ક આ લેતી-દેતી દરમિયાન આરોપી રાજેશે ફરિયાદી પાસેથી અલગ-અલગ બેંકોના કોરા ચેક મેળવ્યા હતા. ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં આરોપી રાજેશે તેના મિત્ર મનોજસિંહ ગોહિલ સાથે મળીને ફરિયાદી પાસેથી રૂ.5 લાખનું લખાણ કરાવી લીધું હતું અને સિક્યુરિટી પેટે વધુ ચેક પડાવ્યા હતા. રાજેશે મનોજસિંહના રૂપિયા હોવાનું કહીને સતત વ્યાજની રકમમાં વધારો કર્યો હતો.
ધમકી અને ચેક બાઉન્સનું ષડયંત્ર 17 એપ્રિલ, 2026ના રોજ ફરિયાદીએ વધુ પૈસા આપવાની ના પાડતા રાજેશે ફોન પર ગાળો આપી પઠાણી ઉઘરાણી કરી હતી. ત્યારબાદ સમાધાનના બહાને બોલાવીને છેતરપિંડી આચરી હતી. રાજેશ વતી વ્યાજના રૂપિયા કઢાવવા માટે તેના અન્ય એક મિત્ર દર્પણ પાનસુરીયાએ ફરિયાદીનો રૂ.8 લાખનો ચેક 20 મે, 2026ના રોજ બેંકમાં નાખીને બાઉન્સ કરાવ્યો હતો.
હાલ પોલીસે ભોગ બનનાર કલ્પેશભાઈની ફરિયાદના આધારે મુખ્ય આરોપી રાજેશ કોટડીયા અને તેને મદદગારી કરનાર મનોજસિંહ ગોહિલ તેમજ દર્પણ પાનસુરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.