ગુજરાતની કૃષિ આજે પરિવર્તનના મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહી છે. વધતી જનસંખ્યા, હવામાન પરિવર્તન, જમીનની ઘટતી ફળદ્રુપતા અને ખેતી ખર્ચમાં વધારો જેવી પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતો માટે વધુ ઉત્પાદન સાથે ટકાઉ ખેતી જાળવવી મોટી જરૂરિયાત બની છે. આવી સ્થિતિમાં ગુણવત્તાયુક્ત બીજ, પ્રમાણિત બીજ, સમતોલ ખાતર વ્યવસ્થાપન, પાક ફેરબદલી અને બીજ માવજત જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે.
ખેતીમાં બીજને સૌથી મહત્વપૂર્ણ ઇનપુટ માનવામાં આવે છે. સારા બીજ વિના વધુ ઉત્પાદનની કલ્પના શક્ય નથી. ઉચ્ચ ગુણવત્તાવાળું બીજ વધુ ઉપજ, જીવાતો અને રોગો સામે પ્રતિકારક શક્તિ તેમજ પ્રતિકૂળ હવામાન સામે સહનશક્તિ પ્રદાન કરે છે. વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા બીજ ખેડૂતોને વધુ નફાકારક ખેતી તરફ દોરી જાય છે.