ગેસના ભાવ વધારાથી ગૃહિણીઓ પરેશાન

દેશભરમાં આજે રાંઘણ ગેસના ભાવમાં રૂ. 29નો વધારો કરવામાં આવ્યો છે. અચાનક થયેલા આ ભાવવવધારને લઈને ગૃહિણીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાને કારણે સામાન્ય પરિવારોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે ત્યારે એક મહિલાએ દિવ્યભાસ્કર સમક્ષ વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે ઘર ચલાવવા નવા હુન્નર અજમાવવા પડે છે. તો અન્ય એક મહિલાએ તો સવાલ ઉઠાવ્યો હતો કે, આમાં સામાન્ય માણસે જીવવું કે મરી જવું ? સરકાર તાત્કાલિક ધ્યાન આપે તે જરૂરી છે.

મોંઘવારી હવે મધ્યમ વર્ગની કમર તોડી રહી છે આ અંગે પોતાના મનની વ્યથા ઠલવતા સ્થાનિક ગૃહિણી સોનલબેન સ્વામીએ જણાવ્યું હતું કે, મોંઘવારી હવે મધ્યમ વર્ગની કમર તોડી રહી છે. આ પહેલા ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 918 હતો, જે રાતોરાત વધીને હવે રૂ. 947 થઈ ગયો છે. આ આકરા ભાવ વધારા સામે અમારી માસિક આવક મર્યાદિત હોવાથી ઘરનું ગાડું માંડ-માંડ તાણીતુસીને ભેગું કરવું પડે છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, માત્ર રાંધણ ગેસ જ નહીં, પરંતુ છેલ્લા કેટલાક સમયથી LPG, લીલા શાકભાજી, દૂધ અને બાળકોની સ્કૂલ ફી સહિતની તમામ બાબતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. મોંઘવારીના સમયમાં દર મહિને જાણે ગૃહિણીઓની અગ્નિપરીક્ષા લેવાતી હોય તેવું લાગી રહ્યું છે. દર વખતે નવો ભાવ વધારો આવે ત્યારે અમારે ઘર ચલાવવા માટે કયા આયોજનો કરવા અને કઈ રીતે પૈસા બચાવવા તે માટે નવા હુન્નર અજમાવવા પડે છે. એક સમય હતો જ્યારે મહિલાઓ ઘરખર્ચમાંથી થોડી-ઘણી કકસર કરીને ભવિષ્ય માટે બચત કરી શકતી હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની બચત કરવી સાવ અશક્ય બની ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *